- 28 સપ્ટેમ્બરે કરાશે ગણેશજીનું વિસર્જન
- મહર્ષિ વેદવ્યાસ સાથે જોડાયેલી છે ખાસ કથા
- ગણેશજીના નારા સાથે પાણીના પ્રવાહમાં કરો વિઘ્નહર્તાનું વિસર્જન
સનાતન પરંપરામાં ભગવાન શ્રી ગણેશની પૂજા માટે ભાદ્રપદની શુક્લપક્ષની ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધીનો સમય ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે 10 દિવસમાં ગણેશજી તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે અને સુખ અને સૌભાગ્ય આપે છે. હિંદુ ધર્મમાં ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે બાપ્પાની ધામધૂમ સાથે વિદાય કરવામાં આવે છે. આ સમયે એવી કામના કરવામાં આવે છે કે તેમને આવતા વર્ષે ફરીથી જલ્દી ઘરે લાવવાનું સૌભાગ્ય મળે. આ વર્ષે ગણેશ વિસર્જનનો ઉત્સવ 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. તો જાણો શું છે ગણેશ વિસર્જનના શુભ મૂહૂર્ત અને સાથે કઈ વિધિ સાથે તેમની પૂજા કરાશે તે પણ.
જાણો ગણેશ વિસર્જનના શુભ મૂહૂર્ત
- સવારે 6.12થી લઈને 7.42 મિનિટની વચ્ચે
- સવારે 10.42થી લઈને 2.11ની વચ્ચે
- સાંજે 4.41થી લઈને 6.11ની વચ્ચે
- સાંજે 6.11થી લઈને રાતે 9.11ની વચ્ચે
જાણો ગણેશ વિસર્જન પાછળ શું છે કારણ
પૌરાણિક માન્યતા છે કે શ્રી વેદવ્યાસજીએ જે દિવસે મહાભારતની કથા કહેવાનું શરૂ કર્યું અને ગણપતિએ તેને લખવાનું શરૂ કર્યું એ દિવસ ગણેશ ચતુર્થીનો દિવસ હતો. માન્યતા એવી પણ છે કે મહર્ષિ વેદ વ્યાસે સતત 10 દિવસ સુધી મહાભારતની કથા કહી અને ગણેશજી તેને લખતા રહ્યા. 10 દિવસ બાદ જ્યારે કથાને વિશ્રામ અપાયો તો તેઓએ જોયું કે સતત લખતા રહેવાના કારણે ભગવાન શ્રી ગણેશના શરીરનું તાપમાન ઘણું વધી ગયું હતું. ત્યારે તેઓએ તેમના શરીરને ઠંડું કરવા માટે તેમને પાણીમાં ડૂબાડી દીધા હતા. ત્યારથી ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ તેમનું વિસર્જન પણ પાણીમાં ડુબાડીને કરવાની પ્રથા શરૂ થઈ છે.
આ રીતે કરો ગણેશ વિસર્જન
બાપ્પાની વિદાય કરવા માટે અનંત ચતુર્દશીના દિવસે સવારે તન અને મનથી પવિત્ર થઈને શ્રી ગણેશજીની પૂજા કરો. તેમને પ્રિય ચીજો જેવી કે મોદક, નારિયેળ, ફળ, ફૂલ વગેરે અર્પણ કરો અને મંત્રોની સાથે આરતી પણ કરો. આ પછી બાપ્પાના મંત્રોચ્ચાર સાથે તેમના જયકારા સાથે ખુશી ખુશી બાપ્પાને પવિત્ર જળસ્થાનમાં આદર સાથે વિસર્જિત કરો. આ પછી પૂજામાં થયેલી ભૂલ-ચૂકની માફી માંગો અને સાથે આવતા વર્ષે તેમને તમારા ઘરે આવવાનું આમંત્રણ પણ આપો.