• રથયાત્રાના દિવસે મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ હોય છે
  • પ્રસાદના મગ તો વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર કરે છે
  • ફણગાવેલા મગ ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી

રથયાત્રામાં ફણગાવેલા મગનો જ પ્રસાદ શા માટે અપાય છે ? તે તમે જાણો છો...નહીં ને. આપણે ત્યાં કહેવત છે કે મગ ચલાવે પગ. તો જાણો જગન્નાથજીની રથયાત્રામાં મળતા મગ પ્રસાદ પાછળ શું છે રહસ્ય અને તે કેવી રીતે ફાયદો કરે છે તે પણ.

મગ કરે છે કમાલ

રથયાત્રા આવતાની સાથે જ ભક્તો પણ ભગવાનમય બની જાય છે. આ દિવસે મંદિરોમાં ફણગાવેલા મગ, જાંબુ, કાકડીનો પ્રસાદ આપવામાં આવે છે. ભક્તો આ પ્રસાદ લેવા આતુર હોય છે. જો આ પ્રસાદ મળી જાય તો તેઓ ધન્ય બને છે. અહીં અન્ય મીઠાઈ કે ફરસાણ નહીં પણ મગનો પ્રસાદ જ આપવામાં આવે છે. રથયાત્રામાં મળતા મગ પ્રસાદનું મહત્વ પણ ખાસ છે. રથયાત્રામાં કેટલાય કિલોમીટર સુધી રથને ખેંચવાનો હોય છે. જેમાં ભક્તો પણ જોડાતા હોય છે. હવે, રથને હાંકવામાં શક્તિની તો જરૂર પડે ને ? કહેવાય છે કે મગ તો વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર કરે છે. કોઈ વ્યક્તિ જો બીમાર હોય તો પણ તબીબ તેને મગ ખાવાની કે મગના પાણીને પીવાની સલાહ આપતા હોય છે. કારણ કે, તેનાથી વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

મગમાંથી મળે છે આ વિટામીન્સ

મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે સાથે જ તે વિટામિન, ખનીજ તત્વો અને કેટલાય પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. મગમાં વિટામિન A, B, D અને E હોય છે. જે વ્યક્તિને શક્તિ આપે છે. પ્રસાદમાં ફણગાવેલા મગ અપાતા હોય છે. આ ફણગાવેલા મગ ખાધાં પછી લાંબો સમય સુધી ભૂખ પણ નથી લાગતી. વાસ્તવમાં તો ફણગાવેલા મગ એનર્જી બુસ્ટરનું કામ કરે છે. મગના આ મહત્વને જોતા રથયાત્રામાં વ્યક્તિને મગનો પ્રસાદ અપાય છે કે જેથી ભક્તને થાક ન લાગે. આમ મગના પ્રસાદ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. અને એટલે જ તો આપણે ત્યાં કહે છે ને કે મગ ચલાવે પગ.

આ રીતે બનાવી શકાય છે ફણગાવેલા મગ

સૌ પહેલા એક વાટકી મગ લો અને તેને સાફ કરીને ધોઈ લો. આ પછી તેને આખી રાત પાણીમાં પલાળીને રાખો. આ પછી બીજા દિવસે પાણી નીતારીને ફરીથી ધોઈ લો. હવે એક કોટનનું કપડું લો અને તેમાં તેની પોટલી વાળીને હવા ન લાગે તેવી રીતે ઢાંકીને મૂકી રાખો. સાંજ સુધીમાં તમારા મગ ફણગાવેલા હોય તેવા તૈયાર થઈ જાશે. તમે તેને ભોગમાં ચઢાવી શકો છો.

  • Follow us on: