સનાતન ધર્મમાં જગદગુરૂ શંકરાચાર્યનું પદ સર્વોચ્ચ માનવામાં આવે છે. ભારત દેશમાં શંકરાચાર્ય પદની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્યએ કરી હતી.તેમણે દેશમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ ચારેય મઠોના પ્રમુખને જગદગુરૂ શંકરાચાર્ય કહેવામાં આવે છે. દેશમાં શંકરાચાર્ય બાદ હવે મહંતને જગદગુરૂની પદવી આપવામાં આવી રહી છે. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દીલિપદાસજીને આવતીકાલે રથયાત્રાના દિવસે જગદગુરૂની પદવી આપવામાં આવશે. ત્યારે આવો જાણીએ કેવી રીતે જગદગુરૂનું પદ આપવામાં આવે છે.
કોણે કરી હતી જગદગુરૂ શંકરાચાર્ય પદની સ્થાપના
ભારત દેશમાં ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આદિ ગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્થાપના માટે ચાર મઠો સ્થાપી શંકરાચાર્ય પદની સ્થાપના કરી હતી. તેમણે પોતાના ચાર શિષ્યોને દેશની ચાર દિશાઓમાં સ્થાપિત કરવામાં આવેલા મઠોની જવાબદારી સોંપી હતી. આ મઠોના પ્રમુખને શંકરાચાર્ય કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં શંકરાચાર્યને સર્વોત્તમ માનવામાં આવે છે. આ ચારેય મઠમાં ગુરુ પોતાના શિષ્યને સનાતન ધર્મની શિક્ષા અને જ્ઞાન આપે છે.
આ રીતે મળે છે જગદગુરૂ શંકરાચાર્યની પદવી
શંકરાચાર્યનું પદ મેળવનાર વ્યક્તિ ત્યાગી, દંડી સંન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી હોવો જોઈએ. આ વ્યક્તિને પુરાણ, ચાર વેદ, છ વેદાંગનું જ્ઞાન હોવુ જરૂરી છે. આ વ્યક્તિ પોતાના જીવનમા મુંડન, પિંડદાન અને રૂદ્રાક્ષ ધારણ કરે તે મહત્વનું છે. જે વ્યક્તિને શંકરાચાર્ય બનાવવામાં આવે છે તેમને અખાડાના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વર, પ્રતિષ્ઠિત સંતોની સભાની સંમતિ સાથે કાશી વિદ્વત પરિષદની સ્વીકૃતિ મળવી પણ જરૂરી છે. ત્યાર બાદ જ જગદગુરૂ શંકરાચાર્યની પદવી મળી શકે છે.
દેશમાં હાલ ચાર મઠમાં ચાર જગદગુરૂ શંકરાચાર્ય છે
દેશમાં હાલ ઓડિસામાં ગોવર્ધન મઠ, ગુજરાતના દ્વારકામાં શારદા મઠ, ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ અને રામેશ્વરમમાં શ્રુંગેરી મઠમાં ચાર શંકરાચાર્યો છે. આ સિવાય કાંચીપુરમમાં કાંચી મઠ એક હિંદુ મઠ છે. જે પાંચ પંચભૂત સ્થળોમાંથી એક છે. અહીંના મઠાધિશ્વરને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ મઠને પણ આદિ ગુરુ શંકરાચાર્યએ સ્થાપિત કર્યો હતો. આજે આ મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.