પૌરાણિક પુસ્તકો અને દંતકથા અનુસાર અમરનાથ ગુફાના ઇતિહાસ સાથે મુક્તિના માર્ગની એક રોચક ઘટના જોડાયેલી છે અને સાથે સાથે બાબા અમરનાથ ગુફામાં પ્રગટ થતાં આપમેળે કુદરતી શિવલિંગ સાથે જોવા મળતી કબૂતરોની જોડી પણ એક રોચક તથ્ય સાથે જોડાયેલ છે.


અમરનાથ ગુફામાં મુક્તિનો માર્ગ

ધાર્મિક ગ્રંથો, પુરાણો , પુસ્તકો અને દંતકથા અનુસાર અમરનાથ ગુફામાં ભગવાન ભોળાનાથે માતા પાર્વતીને મુક્તિનો માર્ગ બતાવ્યો હતો અને એટલા માટેજ આ પ્રાચીન ગુફાને અમરનાથ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. આ તો થઈ અમરનાથ ગુફાના નામકરણ સાથે જોડાયેલ માહિતી. પરંતુ અમરનાથ ગુફામાં ભગવાન ભોળાનાથ સાથે હાડ થીજાવતી ઠંડીમાં એક કબૂતરોની જોડી પણ જોવા મળે છે. આ કબૂતર બેલડી વિશે ઘણી લોક વાયકાઓ લોક મુખે સાંભળવા મળે છે, કે જે આ પ્રાચીન ગુફા સાથે એક ખાસ સંબંધ સાબિત કરે છે.

કબૂતર જોડીનું રોચક રહસ્ય

ભારતમાં હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ અમરનાથ ગુફા અને અમરનાથ યાત્રાને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ અમરનાથ ગુફાના દર્શન કરવાથી ભક્તોને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ અમરનાથ યાત્રા દર વર્ષે અષાઢ પૂર્ણિમાથી શરૂ થાય છે અને શ્રાવણ મહિના સુધી ચાલુ રહે છે અને રક્ષાબંધનના દિવસે સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે અમરનાથ ગુફામાં મહાદેવ સાથે જોવા મળતી કબૂતર જોડીએ કોઈ સામાન્ય કબૂતર જોડી નથી પણ એક અમર કબૂતર જોડી છે.

અમરનાથની અમર કબૂતર જોડી

બાબા બરફાનીની ગુફામાં જોવા મળતી કબૂતર બેલડી વિશે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન ભોળાનાથ આ ગુફામાં માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે આ ગુફામાં આ કબૂતર જોડીએ પણ ભોળાનાથની આ અમર કથા સાંભળી હતી અને એટલા માટેજ ત્યારથી આ કબૂતર અમર થઈ ગયા હતા. તેમને લોક વાયકા મુજબ અમર પક્ષી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ જોડી જુએ છે તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન સમાન માનવામાં આવે છે.

  • Follow us on: