• અદાણી ગૃપનું ફોકસ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન પર
  • એરપોર્ટ સેક્ટરમાં અદાણી ગૃપનો પ્રભાવ વધશે
  • વિવિધ સેક્ટર પર 14 અરબ ડોલરનું રોકાણ કરશે

અદાણી ગ્રૂપ 1 એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષમાં પોર્ટ્સ, એનર્જી, એરપોર્ટ, કોમોડિટી, સિમેન્ટ અને મીડિયા સેક્ટરમાં ફેલાયેલા તેના બિઝનેસમાં રૂ. 1.2 લાખ કરોડ (લગભગ 14 અરબ ડોલર) કરતાં વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. માહિતી અનુસાર, અદાણી ગૃપે આગામી 7-10 વર્ષમાં બિઝનેસ વધારવા માટે તેના રોકાણની આગાહી $100 બિલિયનથી બમણી કરી દીધી છે. 

નાણાકીય વર્ષ 2024-25 માટે અંદાજિત મૂડી ખર્ચ પાછલા નાણાકીય વર્ષ કરતાં 40 ટકા વધુ છે. વિશ્લેષકોના મતે, 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ 2023-24માં મૂડી ખર્ચ આશરે $10 બિલિયન રહેવાનો અંદાજ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ રોકાણો ઝડપી નફા વૃદ્ધિનો પાયો નાખશે. જૂથે અગાઉ કહ્યું હતું કે, આગામી 7-10 વર્ષમાં $100 બિલિયનનો મૂડી ખર્ચ થઈ શકે છે.

અદાણી ગૃપનું ફોકસ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન પર

આમાંથી મોટા ભાગનું રોકાણ અદાણી ગૃપના ઝડપથી વિકસતા બિઝનેસ - રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને એરપોર્ટમાં કરવાનું છે. મોટાભાગનો મૂડી ખર્ચ ગ્રીન એનર્જી માટે થશે. આ સિવાય એરપોર્ટ અને પોર્ટ બિઝનેસ પર ખર્ચ કરવામાં આવશે. અદાણી ગૃપ ગુજરાતના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી રિન્યુએબલ પાર્ક બનાવવા જઈ રહ્યું છે. તે 530+ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હશે. તેની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનું કદ પેરિસ શહેર કરતાં પાંચ ગણું હશે. 

એરપોર્ટ સેક્ટરમાં અદાણી ગૃપનો પ્રભાવ વધશે

કુલ રોકાણનો મોટો હિસ્સો તેના ઝડપથી વિકસતા એરપોર્ટ બિઝનેસ અને પોર્ટ બિઝનેસના વિસ્તરણ અને વિકાસ માટે ફાળવવામાં આવ્યો છે. આગામી નવી મુંબઈ એરપોર્ટ અને 14 સ્થાનિક બંદરો સહિત 8 એરપોર્ટના પોર્ટફોલિયો સાથે, અદાણી જૂથ આ પ્રદેશોમાં તેની હાજરીને વધુ મજબૂત કરવા માંગે છે. 

  • Follow us on: