2026ના ફિફા વર્લ્ડ કપને લઈને સમગ્ર વિશ્વમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે જીપ (Jeep) કંપનીએ અમેરિકન સોકર પ્રેમીઓ માટે એક અત્યંત અનોખી અને રોમાંચક ઝુંબેશ શરૂ કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે જો યુનાઇટેડ સ્ટેટ્સની મેન્સ નેશનલ સોકર ટીમ 2026નો ફિફા વર્લ્ડ કપ જીતે છે, તો જીપ દ્વારા 100 નસીબદાર લોકોને મફતમાં જીપ રેંગલર એસયુવી (SUV) ભેટ આપવામાં આવશે.
આ ઓફર સામાન્ય લોકો માટે નથી..
જોકે, આ ઓફર સામાન્ય લોકો માટે નથી. જીપે આ ઓફર માટે એક ખૂબ જ ખાસ અને ચોક્કસ શરત રાખી છે. આ ઝુંબેશનો લાભ માત્ર એવા યુએસ નાગરિકો જ લઈ શકશે જેમનું સત્તાવાર નામ 'જ્યોર્જ વોશિંગ્ટન' છે. નામમાં કોઈ પણ પ્રકારના જોડણીના ફેરફાર કે ટૂંકાક્ષર સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોએ પોતાનું નામ સત્તાવાર દસ્તાવેજો અને માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ચકાસવું પડશે.
પ્રથમ 100 પાત્ર લોકોની પસંદગીથી કરવામાં આવશે
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઈનામ માટે માત્ર પ્રથમ 100 પાત્ર લોકોની પસંદગી કરવામાં આવશે, જેઓ પોતાની નોંધણી કરાવીને નિયમોનું પાલન કરશે. વિજેતાઓને ૨૦૨૬નું જીપ રેંગલર ૨-ડોર સ્પોર્ટ S મોડેલ આપવામાં આવશે, જેની બજાર કિંમત લગભગ 39685 ડોલર (ભારતીય રૂપિયામાં આશરે 37 લાખ) છે. ઇનામ તરીકે મળતી એસયુવીમાં બેઝ મોડેલ આપવામાં આવશે, પરંતુ જો કોઈ વિજેતા વધારાની એસેસરીઝ કે સુવિધાઓ મેળવવા માંગતા હોય, તો તેનો ખર્ચ તેમણે પોતે ઉઠાવવો પડશે.
ઓફરે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી
આ અનોખી પ્રમોશનલ ઝુંબેશને વધુ લોકપ્રિય બનાવવા માટે જીપે પ્રખ્યાત અમેરિકન હાસ્ય કલાકાર એલિજાહ સ્લેસિંગર સાથે ભાગીદારી કરી છે. તેમની સાથે મળીને તૈયાર કરવામાં આવેલી ખાસ જાહેરાતો હાલ ટીવી અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થઈ રહી છે, જે આ ઝુંબેશમાં વધુમાં વધુ પાત્ર લોકોને જોડવા માટેનું કામ કરી રહી છે. આ એક એવી ઓફર છે જેણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે. ભલે તે અમેરિકન ફૂટબોલ ટીમના જીતવા પર નિર્ભર હોય, પરંતુ જીપની આ સ્પર્ધાએ વર્લ્ડ કપના માહોલમાં એક નવો જ રંગ ઉમેરી દીધો છે. જે લોકોનું નામ ખરેખર જ્યોર્જ વોશિંગ્ટન છે, તેમના માટે આ એક જીવન બદલી નાખનારી તક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Monsoon Tips : ચોમાસામાં ઘરની દુર્ગધથી છો પરેશાન?આજે જ અપનાવો આ અસરકારક ઉપાયો