અગ્રણી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સે વર્ષના અંતમાં કાર ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાના સમગ્ર પેસેન્જર વ્હીકલ પોર્ટફોલિયોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવવધારો પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારની સાથે ઇલેક્ટ્રિક વાહનો પર પણ લાગુ પડશે. નવી કિંમતો 1 ડિસેમ્બર 2026થી અમલમાં આવશે.ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કંપની તેના સમગ્ર વાહન પોર્ટફોલિયોમાં સરેરાશ 0.5 ટકાનો ભાવવધારો કરવા જઈ રહી છે. આ નિર્ણયને કારણે ટાટાની નવી કાર કે SUV ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકોએ 1 ડિસેમ્બરથી વધુ કિંમત ચૂકવવી પડશે.

પેટ્રોલ-ડીઝલ કારની સાથે ઇલેક્ટ્રિક વાહનો પણ મોંઘાં થશે

ટાટા મોટર્સના આ ભાવવધારામાં કંપનીની તમામ પ્રકારની પેસેન્જર કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઇન્ટર્નલ કમ્બશન એન્જિન (ICE) એટલે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો (EV) પણ સામેલ છે. આમ, ટાટાની કોઈપણ નવી કાર અથવા ઇલેક્ટ્રિક SUV ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકોને હવે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તમામ મોડલ અને વેરિઅન્ટમાં એકસમાન ભાવવધારો કરવામાં આવશે નહીં. અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે કિંમતોમાં ફેરફાર થશે. સમગ્ર પોર્ટફોલિયોમાં સરેરાશ ભાવવધારો 0.5 ટકા રહેશે.

કાચા માલની વધતી કિંમતને કારણે ભાવવધારાનો નિર્ણય

ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર, વાહનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાચા માલ અને અન્ય જરૂરી વસ્તુઓની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે વાહન ઉત્પાદનનો કુલ ખર્ચ પણ વધી રહ્યો છે. કંપની અત્યાર સુધી વધેલી ઉત્પાદન કિંમતનો મોટો હિસ્સો પોતે જ ભોગવી રહી હતી. જોકે, સતત વધી રહેલા ખર્ચને ધ્યાનમાં રાખીને હવે તેનો કેટલોક બોજ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે ભાવવધારા છતાં ગ્રાહકોને દરેક વાહનમાં તેની કિંમત પ્રમાણે સારી વેલ્યૂ મળતી રહેશે.

મારૂતિ સુઝુકી પણ કારની કિંમતો વધારી ચૂકી છે

ટાટા મોટર્સ પહેલાં દેશની અન્ય અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પણ કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કંપનીની નવી કિંમતો 22 નવેમ્બર, 2026થી અમલમાં આવી ગઈ છે.મારુતિ સુઝુકીએ પોતાની કારના ભાવમાં સરેરાશ આશરે 0.31 ટકાનો વધારો કર્યો છે. આ વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસ ઇન્ક્રીઝ છે. એટલે કે અલગ-અલગ મોડલના વેચાણના પ્રમાણને ધ્યાનમાં રાખીને ભાવવધારાની સરેરાશ નક્કી કરવામાં આવી છે. આમ, નવેમ્બર મહિનાના અંતમાં ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી દ્વારા કરવામાં આવેલા ભાવવધારાને કારણે નવી કાર ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકોના બજેટ પર અસર પડી શકે છે. ટાટાની નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થતાં ડિસેમ્બર મહિનામાં કાર ખરીદનારાઓએ નવા ભાવ ચૂકવવા પડશે.

આ પણ વાંચોઃ Patan News: ભારતમાલા હાઇવે પર વાયુસેનાના 4 એરક્રાફ્ટનું લેન્ડિંગ, ઈમરજન્સી સમયે ઉપયોગી બનશે