પાટણના સાંતલપુરના બકુત્રા ટોલ પ્લાઝા પાસે ભારતમાલા હાઇવે પર ભારતીય વાયુસેનાના ચાર અલગ-અલગ એરક્રાફ્ટના લેન્ડિંગનું પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રદર્શને દેશના હાઇવેની ક્ષમતા પુરવાર કરી છે. કટોકટીના સમયે હાઇવેનો વૈકલ્પિક અને ઇમરજન્સી રનવે તરીકે ઉપયોગ કરવાની સંભાવનાઓ આ કવાયતથી ઉજાગર થઈ છે. વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા અને સંચાલન ક્ષમતાની ચકાસણી કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રદર્શન યોજાયું હતું. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર લેન્ડિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. 

ભૌગોલિક સ્થિતિમાં વિમાનોનું સફળ સંચાલન

આ મહત્વપૂર્ણ સૈન્ય અભિયાનનો પ્રારંભ ગત 14 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના મઉ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અભિયાનની ટીમે વડોદરા, કેવડિયા, ભાવનગર, દીવ, કેશોદ, જામનગર, પોરબંદર અને મુન્દ્રા સહિત ગુજરાતના વિવિધ આંતરિક તેમજ દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લીધા હતા અને આ ટીમ છેલ્લે ભુજ પહોંચી હતી. અભિયાન દરમિયાન 15 નવેમ્બરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફ્લાઈંગ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત ભારતીય સેનાની ટીમે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિર ઉપરથી પણ ઓવરફ્લાઈંગ કરીને દેશના ઐતિહાસિક અને ધાર્મિક વારસા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ ભૌગોલિક સ્થિતિમાં વિમાનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

દેશના એરો સ્પોર્ટ્સ ક્ષેત્રે અત્યંત નોંધપાત્ર સિદ્ધિ

આ ઉપરાંત 21 નવેમ્બરના રોજ ભારતીય સેનાની માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને પાવર્ડ હેંગ ગ્લાઇડર્સની ફોર્મેશન દ્વારા જામનગરથી આકાશમાં ઉડાન ભરી ગલ્ફ ઓફ કચ્છ ઉપર આશરે 48 કિમીનું દરિયાઈ અંતર સફળતાપૂર્વક પાર કરીને મુન્દ્રા ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સેનાના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકારનું દરિયાઈ ક્રોસિંગ દેશના એરો સ્પોર્ટ્સ ક્ષેત્રે અત્યંત નોંધપાત્ર સિદ્ધિ છે. આ સમગ્ર અભિયાનમાં લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ કર્નલ એમ.એસ. ચાવલા સહિત સેનાના અધિકારીઓ, જેસીઓ અને જવાનો જોડાયા હતા. હાઇવે પર એરક્રાફ્ટ ઉતારીને સેનાએ પોતાની અદભુત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ અભિયાન દ્વારા સેનાની ઓપરેશનલ ક્ષમતાની ચકાસણી સાથે યુવાનોમાં સાહસ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવના પ્રબળ બને તેવો મુખ્ય આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Surat News : ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલુ ટેન્કર પલટી મારી ગયું, હટાવવા માટે ટ્રેલર બોલાવુ પડ્યું