સુરતમાં ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ઘટનાસ્થળે દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં મોનો ગ્લાયકોલ નામક કેમિકલ લોડ હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ટેન્કર પલટી ખાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને સંભાળવા કામગીરી હાથ ધરાઈ હતી. ટ્રેલરને ખસેડવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.  

વાહનોની લાંબી કતારો લાગી જવાથી વાહનચાલકો અટવાયા

ONGC બ્રિજ નજીક આ અકસ્માત સર્જાયાને બે કલાકથી વધુનો સમય વીતી ગયો હતો છતાં ટેન્કર હટાવી શકાયું નહોતુ. ટેન્કર પલટી મારી જતાં ઓએનજીસી બ્રિજ તેમજ કંપની નજીકના માર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જવાથી વાહનચાલકો અટવાઈ પડ્યા છે. મોનો ગ્લાયકોલ ભરેલા આ ટેન્કરને રસ્તા પરથી દૂર કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ટેન્કરને તાકીદે હટાવવા માટે હવે સ્થળ પર ખાસ ટ્રેલર મંગાવવામાં આવ્યું છે, જેથી ટેન્કર સુરક્ષિત રીતે ખસેડી શકાય. ઓએનજીસી કંપની નજીક કેમિકલ ટેન્કર પલટવાની આ દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડ તહેનાત છે. 

ભારે ટ્રાફિક જામ હળવો કરવાના પ્રયાસો પણ ચાલુ

ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચીને સતત નજર રાખી રહી છે,કારણ કે ટેન્કરમાં મોનો ગ્લાયકોલ રસાયણ લોડ થયેલું હતું.બે કલાકથી વધુ સમયથી વાહનવ્યવહાર ખોરવાઈ જતાં સામાન્ય વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ટેન્કર હટાવવા મંગાવાયેલા ટ્રેલરની મદદથી તેને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. અકસ્માતને પગલે સર્જાયેલી આ અફરાતફરી વચ્ચે ટેન્કર ખસેડવા માટેની તજવીજ તેજ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે ઓએનજીસી બ્રિજ પર સર્જાયેલો ભારે ટ્રાફિક જામ હળવો કરવાના પ્રયાસો પણ ચાલુ છે અને ટેન્કર હટાવ્યા બાદ જ સ્થિતિ પૂર્વવત બનશે.

આ પણ વાંચોઃ Vadodara News: મહી નદી પ્રદૂષિત કરતી પોઇચાની સુદીપ ન્યુટ્રિશિયન કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી