અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણીનેને રાહતના સમાચાર સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે બંને લોકોને મોટી રાહત આપી છે. સોમવારે મોટો ચુકાદો આપતા કોર્ટે તેમને અદાણી એન્ટરપ્રાઈઝ (AEL શેર)ના શેરમાં કથિત હેરાફેરી દ્વારા રૂપિયા 388 કરોડના બજાર નિયમન ઉલ્લંઘનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. બોમ્બે હાઈકોર્ટના આ આદેશ બાદ એક દાયકાથી વધુ સમયથી ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે.


શું છે સમગ્ર કેસ ?

આ કેસ 2012નો છે, જ્યારે સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)એ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને તેના પ્રમોટરો સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો આરોપ લગાવીને ચાર્જશીટ દાખલ કરી હતી. આ કથિત નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત હતું. આ ચાર્જશીટમાં ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણી સહિત 12 લોકોના નામ હતા.

નવેમ્બર 2019માં સેશન્સ કોર્ટે આદેશને ઉલટાવી દીધો

આ કેસની તપાસ કર્યા પછી મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે મે 2014માં ગૌતમ અદાણીને નિર્દોષ જાહેર કર્યા હતા અને પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. પરંતુ SFIOએ આ આદેશને પડકાર્યો અને દલીલ કરી કે અદાણી ગ્રુપે ચોક્કસ નાણાકીય વ્યવહારો દ્વારા કથિત રીતે નફો કર્યો છે. આ પછી નવેમ્બર 2019માં સેશન્સ કોર્ટે આદેશને ઉલટાવી દીધો અને કેસ પુનઃસ્થાપિત કર્યો.

ગૌતમ અદાણીએ બોમ્બે હાઈકોર્ટનો કરી હતી અરજી

ગૌતમ અદાણી અને રાજેશ અદાણીએ સેશન્સ કોર્ટના આદેશ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે SFIOના દાવા મનસ્વી હતા અને કેસમાં કોઈ યોગ્યતા નથી. હવે આ કેસમાં સોમવારે જસ્ટિસ આર.એન. લદ્દાની બેન્ચે તેની સમીક્ષા કરી અને તેમને મોટી રાહત આપી અને કથિત બજાર નિયમન ઉલ્લંઘન સંબંધિત તમામ આરોપોમાંથી તેમને મુક્ત કર્યા. અહીં તમને જણાવી દઈએ કે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત SFIOને પણ વર્ષ 2023માં થયેલા વિલંબ બદલ હાઈકોર્ટ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો.

  • Follow us on: