ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) મંગળવારે જરૂરી કોરમ પૂર્ણ ન થવાને કારણે સ્થગિત કરવામાં આવી છે. આ બેઠક બપોરે 2:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ અને ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી યોજાવાની હતી. જોકે, બેઠકમાં જરૂરી સંખ્યામાં સભ્યો હાજર ન હોવાથી તેને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો.

કેમ AGMનું કોરમ પૂર્ણ થઈ શક્યું નથી?

ટાટા સન્સના 100 વર્ષથી વધુના કોર્પોરેટ ઈતિહાસમાં AGM સ્થગિત થવાની આ ઘટના અત્યંત દુર્લભ માનવામાં આવી રહી છે. સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે નિયુક્ત કરવામાં આવનારા પ્રતિનિધિને લઈને ચાલી રહેલી નિયમનકારી અડચણને કારણે AGMનું કોરમ પૂર્ણ થઈ શક્યું નથી.

કોરમ માટે ઓછામાં ઓછા પાંચ સભ્યોની હાજરી જરૂરી

મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના સ્તરે લાગુ કરાયેલા નિયમનકારી પ્રતિબંધને કારણે SRTT હાલ સંયુક્ત પ્રતિનિધિની નિમણૂક કરી શકતું નથી. ટાટા સન્સના Articles of Association મુજબ માન્ય કોરમ માટે ઓછામાં ઓછા પાંચ સભ્યોની હાજરી જરૂરી છે અને તેમાં સંબંધિત સંયુક્ત રીતે નિયુક્ત પ્રતિનિધિનો સમાવેશ પણ જરૂરી છે. પ્રતિનિધિની ગેરહાજરીને કારણે બેઠક માટે જરૂરી કોરમ પૂર્ણ થયું ન હતું.

ક્યારે યોજાશે હવે AGM?

કંપની અધિનિયમ હેઠળ દરેક નાણાકીય વર્ષ બાદ નિર્ધારિત સમયમર્યાદામાં AGM યોજવી જરૂરી છે. સામાન્ય રીતે AGMને સંપૂર્ણપણે રદ કરવાની જોગવાઈ નથી. ખાસ પરિસ્થિતિમાં બેઠક સ્થગિત કરી શકાય છે અથવા NCLT જેવા કાયદાકીય ટ્રિબ્યુનલના આદેશથી તેના આયોજન પર રોક લાગી શકે છે. હવે ટાટા સન્સ માટે આગળની AGM ક્યારે અને કઈ પ્રક્રિયા હેઠળ યોજાશે તે મહત્વનું રહેશે.