પડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો છે અને ત્યાં ફરી એકવાર પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં અધધ વધારો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, 18 ઓગસ્ટે તેલના ભાવમાં ભારે વધારો મંજૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. આ નવા વધારા મુજબ, પેટ્રોલના ભાવમાં ₹5.77 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે હાઇ-સ્પીડ ડીઝલના ભાવમાં ₹6.47 પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ હવે ₹331.20 પ્રતિ લિટર અને હાઇ-સ્પીડ ડીઝલ ₹390.42 પ્રતિ લિટરના જંગી ભાવે વેચાઈ રહ્યું છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં થઇ રહેલા ફેરફારની અસર
વૈશ્વિક સ્તરે પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતા અને કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના બજાર ભાવમાં સતત થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ સાપ્તાહિક ધોરણે નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા માળખા અંતર્ગત આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોઈને દર સાત દિવસે તેલના ભાવોની સમીક્ષા કરવામાં આવશે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે, જેની સીધી અસર સ્થાનિક બજારો પર પડી રહી છે.
