કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ 17 ઓગસ્ટના રોજ દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે કાર્ડિયોલોજી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સંપૂર્ણપણે સ્થિર છે અને તેઓ સતત ડૉક્ટરોની કડક દેખરેખ હેઠળ છે.
દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજીમાં કરાયા હતા દાખલ
સ્વાસ્થ્ય સંબંધી અસ્વસ્થતાની ફરિયાદ બાદ જેપી નડ્ડાને 13 ઓગસ્ટની સાંજે દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ જ દિવસે ડૉક્ટરો દ્વારા તેમની એન્જીયોગ્રાફી સહિતના મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ પ્રારંભિક ટેસ્ટના રિપોર્ટ્સ અને તબીબી મૂલ્યાંકનના આધારે ડૉક્ટરોએ આગળની પ્રક્રિયા તરીકે એન્જીયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો.
