- ગેસ સિલિન્ડરની કિંમતોમાં આવી શકે છે ફેરફાર
- સિલિન્ડરની ડિલિવરીમાં OTP બનશે ખાસ
- IRDAI નિયમોમાં લાવી શકે છે મોટા ફેરફાર
આજે ઓક્ટોબર મહિનાનો છેલ્લો દિવસ છે અને આ સાથે નવા મહિનાથી અનેક નવા નિયમો આવી શકે છે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરથી લઈને લાઈટ બિલ સંબંધી ફેરફારો પણ થઈ શકે છે. જે ફક્ત તમારા ખિસ્સાને જ નહીં, પરંતુ તમારા જીવનને પણ અસર કરશે. મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સાથે વીમા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. આ સિવાય ભારતીય રેલવે ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરી શકે છે.
ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે
દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવશે અને નવા ભાવ જાહેર કરવામાં આવશે. કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં 14 કિલો ઘરેલૂ અને 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારાને જોતા એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે.
OTP આપશો તો જ થશે સિલિન્ડરની ડિલિવરી
બીજો ફેરફારમાં એલપીજી ગેસ સિલિન્ડર સાથે પણ સંબંધિત છે. નવેમ્બરની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયા બદલવામાં આવી રહી છે. તે વન ટાઇમ પાસવર્ડ પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે. આ અંતર્ગત ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આને ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે અને સિસ્ટમને OTP સાથે મેચ કર્યા પછી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.
વીમા સંબંધિત નિયમો બદલાશે
નવેમ્બરની પહેલી તારીખથી વીમા નિયમનકાર IRDAI તરફથી પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ હેઠળ વીમા કંપનીઓ માટે 1 નવેમ્બર 2022 થી KYC વિગતો પ્રદાન કરવી ફરજિયાત બનાવી શકાય છે. હાલમાં નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે પરંતુ આવતીકાલથી તેને ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આનો સીધો અર્થ એ છે કે જો વીમાના દાવા સમયે KYC દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી તો દાવો રદ કરી શકાય છે.
વીજળી સબસિડીનો નવો નિયમ
દિલ્હીમાં રહેનારા વીજળી સબસિડીનો લાભ લઈ રહ્યા છે તો આ ફેરફાર તમને અસર કરશે. વાસ્તવમાં 1 નવેમ્બરથી દિલ્હીમાં વીજળી સબસિડીનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને વીજળી પર સબસિડી નહીં મળે. આ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી હતી. નોંધનીય છે કે દિલ્હીના રહેવાસીઓએ દર મહિને 200 યુનિટ મફત વીજળી મેળવવા માટે નોંધણી કરાવવી પડશે.
GST રિટર્નમાં કોડ
GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GST રિટર્નમાં ચાર અંકનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. અગાઉ, પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલ, 2022થી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટ, 2022થી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.