- સરકારની આંતર-મંત્રાલય સમિતિ PPSLમાં ચીનના રોકાણની તપાસ કરી રહી છે
- ચીનના એન્ટ ગ્રુપે ONE 97 કોમ્યુનિકેશન્સમાં રોકાણ કર્યું
- 11 માર્ચ, 2022 ના રોજ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
Paytm Payments Bank સામે FDIની તપાસના અહેવાલો બહાર આવ્યા છે, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી કાર્યવાહીનો સામનો કરી રહી છે. One97 કોમ્યુનિકેશન્સની પેટા કંપની paytm પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ (PPSL)ને ચીનમાંથી FDI પ્રાપ્ત થયું હતું. સરકાર આ મામલે તપાસ કરી રહી છે. ચીનના એન્ટ ગ્રુપે One97 કોમ્યુનિકેશન્સમાં રોકાણ કર્યું હોવાની વાત સામે આવી છે.
PPSL અરજી નવેમ્બર 2022માં નકારી કાઢવામાં આવી
PPSL એ નવેમ્બર વર્ષ 2020 માં પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે તરીકે કામ કરવા માટે આરબીઆઈને લાઇસન્સ માટે અરજી કરી હતી. જોકે, આરબીઆઈએ નવેમ્બર 2022માં PPSLની અરજી ફગાવી દીધી હતી. આ પછી, કંપનીએ FDI માર્ગદર્શિકા અનુસાર 14 ડિસેમ્બર, 2022 ના રોજ અરજી દાખલ કરી. One97 કોમ્યુનિકેશને આ તપાસ અંગે આ સમયે કશું કહ્યું નથી.
ચીનના રોકાણની તપાસ કરતી આંતર-મંત્રાલય સમિતિ
ઈકોનોમિક ટાઈમ્સે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, એક આંતર-મંત્રાલય સમિતિ PPSLમાં ચીનના રોકાણની તપાસ કરી રહી છે. તપાસ બાદ FDI મુદ્દે નિર્ણય લેવામાં આવશે. સરકારે કોઈપણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરતા પહેલા ભારત સાથે જમીનની સરહદો વહેંચતા દેશોની મંજૂરી લેવી ફરજિયાત બનાવી હતી. આ પગલાનો હેતુ કોવિડ-19 રોગચાળા પછી સ્થાનિક કંપનીઓને ટેકઓવરથી બચાવવાનો હતો. આ નિયમ ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન જેવા દેશોને લાગુ પડે છે.
Paytm પેમેન્ટસ બેંક પર થાપણો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
ગયા મહિને આરબીઆઈએ paytm પેમેન્ટસ બેંક પર કોઈપણ પ્રકારની ડિપોઝિટ અથવા ટોપ અપ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બેંક 29 ફેબ્રુઆરી પછી કોઈ પણ ગ્રાહક ખાતા, પ્રિપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અથવા ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશે નહીં. RBIએ આ કડક નિર્ણય વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ બાદ લીધો છે. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે, બેંક ઘણા નિયમોનું પાલન કરી રહી નથી.