- 'હું મારી વહુને ટેકો આપીશ':ગૌતમ સિંઘાનિયાના પિતા
- વિજયપત સિંઘાનિયાને પુત્રએ જ ઘરની બહાર કાઢી મુક્યા
- 'માતાપિતાએ તેમના બાળકોને બધું જ ન આપવું જોઈએ'
રેમન્ડ પરિવારનો અંગત ઝઘડો હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કંપનીના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા લગ્નના 32 વર્ષ બાદ પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ પહેલા ગૌતમ સિંઘાનિયાનો પિતા વિજયપત સિંઘાનિયા સાથેનો ઝઘડો પણ જાણીતો હતો. હવે વિજયપત સિંઘાનિયાએ પણ કહ્યું છે કે તેઓ તેમની પુત્રવધૂને સમર્થન આપશે.
પિતાને પણ ઘરની બહાર કાઢી મુક્યા
વિજયપત સિંઘાનિયાએ ઘણી વખત ખુલ્લેઆમ કહ્યું છે કે તેમણે તમામ સંપત્તિ તેમના પુત્રને આપીને ભૂલ કરી છે. તેમના પુત્રએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તેમને ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી છે. હવે તેમણે તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે પણ આવું વર્તન કર્યું છે.
મને ખબર નથી કે મારો પુત્ર કેવો વ્યક્તિ છે?
એક ઈન્ટરવ્યુમાં વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે તેમના પુત્રએ તેમની પાસેથી બધું છીનવી લીધું. તેમની પાસે માત્ર થોડા પૈસા બચ્યા છે જેનાથી તે પોતાનું જીવન જીવી રહ્યા છે. મારા દીકરાએ મને કંપનીનો અમુક હિસ્સો આપવાની વાત કરી હતી પરંતુ તેણે આ વાત પાછી ખેંચી લીધી હતી. મેં તેને મારું સર્વસ્વ આપી દીધું હવે મારી પાસે કંઈ નથી. બસ થોડા પૈસા બાકી છે અને તેમાં જ જીવન ગુજરાન ચાલે છે. હું ભાડાના મકાનમાં રહું છું નહીં તો હું રસ્તા પર આવી ગયો હોત. ત્યારે હવે તે તેની પત્ની સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે અને મને ખબર નથી કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે.
'માતાપિતાએ તેમના બાળકોને બધું જ ન આપવું જોઈએ'
વિજયપત સિંઘાનિયા અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું હતું કે માતા-પિતાએ તેમના જીવનકાળ દરમિયાન તેમના બાળકોને બધું ન સોંપવું જોઈએ. તેમણે તેમની સપનાની મિલકત તેમના બાળકોને સોંપીને ભૂલ કરી છે. કોઈપણ રીતે માતાપિતાના મૃત્યુ બાદ જ બધું બાળકોનું હોવું જોઈએ.
'હું મારી વહુને ટેકો આપીશ'
પોતાની પુત્રવધૂ નવાઝ મોદી સિંઘાનિયા વિશે વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે જો તેમની પુત્રવધૂ તેમની પાસે સલાહ માટે આવશે તો તેઓ તેમનો સાથ આપશે. જ્યારે તે આ વિવાદ પોતે લડવા માંગે છે તો તે દખલ કરશે નહીં. ગૌતમ સિંઘાનિયા તેમની મિલકતનો 75 ટકા ક્યારેય તેમની પુત્રવધૂને નહીં આપે.