એશિયન કટોકટીને ધ્યાનમાં રાખીને અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે ગેસ સિલિન્ડરના નિયમોમાં કેટલાક મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ૧ જૂનથી અમલમાં આવી રહેલા આ નિયમોને કારણે જો તમે સાવધ નહીં રહો, તો તમારું LPG સિલિન્ડર કનેક્શન રદ થઈ શકે છે. વાસ્તવમાં, દેશમાં પાઇપલાઇન ગેસ (PNG) નું ચલણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ સરકારી નિર્દેશો છતાં લોકો હજુ પણ એલપીજી (LPG) સિલિન્ડરનો ઉપયોગ છોડી રહ્યા નથી. માર્ચ મહિના સુધીમાં દેશમાં આશરે ૬,૫૦,૦૦૦ નવા PNG કનેક્શન સ્થાપિત કરાયા હતા, પરંતુ તેનો વાસ્તવિક પુરવઠો ૧૮% ઓછો નોંધાયો હતો. આ સાબિત કરે છે કે લોકોએ કનેક્શન તો લઈ લીધા છે પરંતુ તેઓ PNG પર સ્વિચ નથી થઈ રહ્યા.

ગેસ કનેકશનને લઈને સરકારનો કડક આદેશ

સરકારના કડક આદેશ મુજબ, જો કોઈ પરિવાર પાસે PNG અને LPG બંને કનેક્શન હોય, તો તેમણે LPG કનેક્શન છોડવું જ પડશે. છેલ્લા એક દાયકામાં LPG વપરાશકર્તાઓ બમણા થઈને ૩૩૫ મિલિયન થયા છે, જ્યારે PNG વપરાશકર્તાઓ માત્ર ૧૬.૪ મિલિયન જ છે. સરકાર આ સ્થિતિને ઝડપથી બદલવા માટે જૂનની શરૂઆતથી જ કડક નિયમો લાગુ કરી રહી છે.

'એક પરિવાર, એક જોડાણ' નો નવો નિયમ

સરકારના સુધારેલા નિયમ હેઠળ હવે એક જ સરનામે બંને કનેક્શન રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ ઘરેલું સિલિન્ડરોના દુરુપયોગ, સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે એવા પરિવારોની ઓળખ શરૂ કરી દીધી છે જેઓ એકસાથે PNG અને LPG બંનેનો ઉપયોગ કરે છે. તેમના કનેકશન રદ કરવામાં આવશે.  જે વિસ્તારોમાં PNG ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં રહેતા લોકો જો નિર્ધારિત સમયમર્યાદામાં PNG પર સ્વિચ નહીં કરે, તો તેમનો LPG સપ્લાય કાયમ માટે બંધ અથવા રદ થઈ શકે છે.

જૂન મહિનાથી સિલિન્ડર રિફિલ નહીં થાય

નવા નિયમ મુજબ, જે ઘરોમાં PNG પાઇપલાઇનની સેવા ચાલુ છે તેઓ હવે ઘરેલું LPG સિલિન્ડર બુક કે રિફિલ કરાવી શકશે નહીં. ગેસ વિતરણ કંપનીઓ અને OMCs એ તેમના ડિજિટલ ડેટાબેઝને એકબીજા સાથે જોડી દીધા છે, જેથી બંને કનેક્શન ધરાવતા લોકો તુરંત પકડાઈ જશે. નોંધનીય છે કે PNG કનેક્શન એક્સટેન્શન માટેની છેલ્લી તારીખ ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી છે.

ગેસ સિલિન્ડર બુકિંગ અને સબસિડીના અન્ય મહત્વના નિયમો

બુકિંગ માટેનો લોક-ઇન પિરિયડ વધ્યો છે. ગેસના દુરુપયોગ અને અછતને રોકવા માટે સરકારે બે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારી દીધો છે. હવે શહેરી ગ્રાહકો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ પછી જ બીજું સિલિન્ડર બુક કરાવી શકશે, જ્યારે ગ્રામીણ ગ્રાહકો માટે આ સમયગાળો ૪૫ દિવસનો રહેશે. સબસિડીનો નિયમ યથાવત રહેશે. ગ્રાહકોને વર્ષમાં માત્ર ૧૨ સબસિડીવાળા ઘરેલું સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે. તેનાથી વધુ સિલિન્ડરની જરૂરિયાત પર બજાર ભાવ (Non-Subsidized Rate) ચૂકવવો પડશે. હવેથી નવા LPG કનેક્શન લેવા પર ગ્રાહકોએ સુધારેલી ડિપોઝિટ અને સેટઅપ ફી આપવી પડશે, જેમાં રેગ્યુલેટર, પાઇપ અને ઇન્સ્ટોલેશન ચાર્જનો સમાવેશ થાય છે.

LPG કનેક્શન ટ્રાન્સફરની રાહત

PNG કનેક્શન મળ્યા બાદ જે ગ્રાહકોએ ૩૦ દિવસની અંદર પોતાનું LPG કનેક્શન સરન્ડર (ડિસ્કનેક્ટ) કરી દીધું હતું, તેમને સરકારે એક મોટી રાહત આપી છે. જો આ ગ્રાહકો ભવિષ્યમાં ક્યારેય એવા વિસ્તારમાં રહેવા જાય જ્યાં PNG સુવિધા ન હોય, તો તેઓ પોતાના જૂના LPG કનેક્શનને ફરીથી સક્રિય (Re-activate) કરાવી શકશે.

QR કોડ સ્કેનના ઉપયોગમાં બદલાવ

૧ જૂન, ૨૦૨૬ થી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરવાથી અથવા UPI ચુકવણી કરવાથી પ્રાપ્તકર્તાનું વાસ્તવિક બેંકમાં નોંધાયેલ નામ સ્ક્રીન પર દેખાશે. આનાથી ઓનલાઈન છેતરપિંડી પર રોક લાગશે અને આકસ્મિક રીતે અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર થવાનું જોખમ દૂર થશે.

ATM ટ્રાન્ઝેક્શન થશે મોંઘુ

૧ જૂનથી ઘણી બેંકો ATM ટ્રાન્ઝેક્શન ફી, મફત રોકડ ઉપાડ મર્યાદા અને FD વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે. કેટલીક બેંકોએ પહેલાથી જ દૈનિક રોકડ ઉપાડ મર્યાદામાં સુધારો કર્યો છે. જૂનથી ATM ટ્રાન્ઝેક્શન વધુ મોંઘા થઈ શકે છે.


આ પણ વાંચો : Auto News: પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં જ ભારતમાં EV કારની ડિમાન્ડ વધી, બુકિંગમાં અઢી ગણો ઉછાળો