આવતા અઠવાડિયે શેરબજારમાં IPOમાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો માટે ત્રણ નવા અવસર ઉપલબ્ધ થશે. 14 જુલાઈથી 16 જુલાઈ, 2026 દરમિયાન SBI ફંડ્સ મેનેજમેન્ટ, અલ્પાઈન ટેક્સવર્લ્ડ અને મિલવર્ક્સ ટેક્નોલોજીસના IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ ત્રણેય કંપનીઓ મળીને અંદાજે ₹11,980 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
SBI ફંડ મેનેજમેન્ટનો IPO સૌથી મોટો
આમાં સૌથી મોટો IPO SBI ફંડ મેનેજમેન્ટનો છે. કંપનીએ પ્રતિ શેર ₹545થી ₹574નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. એક લોટમાં 26 શેર હશે અને ઉપરના ભાવ મુજબ રિટેલ રોકાણકારે એક લોટ માટે આશરે ₹14,924નું રોકાણ કરવું પડશે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) આધારિત છે, એટલે કે કંપની નવા શેર ઈસ્યુ નહીં કરે અને IPOમાંથી મળનારી રકમ હાલના શેરધારકોને મળશે. કંપનીના શેર 21 જુલાઈએ BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે.
કંપની રકમનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ માટે કરશે
અલ્પાઈન ટેક્સવર્લ્ડનો IPO પણ 14થી 16 જુલાઈ દરમિયાન ખુલશે. કંપનીએ પ્રતિ શેર ₹100થી ₹105નો ભાવ નક્કી કર્યો છે. એક લોટમાં 142 શેર હશે અને એક લોટ માટે આશરે ₹14,910નું રોકાણ કરવું પડશે. આ ₹126.25 કરોડનો ફ્રેશ ઈશ્યૂ છે, જેના દ્વારા મળનારી રકમ કંપની પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે ઉપયોગમાં લેશે. કંપની અમદાવાદમાં નવી ઉત્પાદન એકમ સ્થાપવાની યોજના ધરાવે છે.
SME સેગમેન્ટમાં આ કંપનીનો આવશે આઈપીઓ
SME સેગમેન્ટમાં મિલવર્ક્સ ટેક્નોલોજીસનો IPO પણ એ જ તારીખોમાં ખુલશે. કંપનીએ પ્રતિ શેર ₹315થી ₹331નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે અને લગભગ ₹160.34 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ગ્રે માર્કેટમાં આ IPOને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શેર ઈશ્યૂ પ્રાઈસ કરતાં 100 ટકાથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જોકે, નિષ્ણાતો રોકાણકારોને યાદ અપાવે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર અંદાજ હોય છે અને લિસ્ટિંગ પર નફાની કોઈ ખાતરી આપતું નથી.
આ પણ વાંચો : TCS Q1 Results : કંપનીને થયો 13,000 કરોડથી વધુનો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.