ટાટા ગ્રુપની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સારા નાણાકીય પરિણામો સાથે શેરધારકો માટે પ્રતિ ઈક્વિટી શેર ₹12ના અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો
કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી છે. TCSનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.62 ટકા વધીને ₹13,349 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹12,760 કરોડ હતો. બીજી તરફ કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 13.93 ટકા વધીને ₹72,275 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹63,437 કરોડ હતી.
અંતરિમ ડિવિડન્ડ માટે કઈ છે રેકોર્ડ ડેટ?
કંપનીના આ પરિણામો વૈશ્વિક પડકારો વચ્ચે પણ આઈટી ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આવક અને નફામાં થયેલો વધારો રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. TCSએ અંતરિમ ડિવિડન્ડ માટે 15 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારોને 31 જુલાઈ, 2026ના રોજ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.
શેરબજારમાં ગુરુવારે TCSનો શેર નજીવા વધારા સાથે ₹2,059 પર બંધ થયો હતો. જોકે, ચાલુ વર્ષ દરમિયાન કંપનીના શેરમાં આશરે 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 40 ટકા ઘટ્યો છે, જ્યારે પાંચ વર્ષના ગાળામાં પણ શેરે રોકાણકારોને અંદાજે 35 ટકા નકારાત્મક વળતર આપ્યું છે.
આ પણ વાંચો : SEBIએ વિદેશી રોકાણકારો માટે નિયમમાં કર્યો ફેરફાર, હવે રજિસ્ટ્રેશન ફી ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચૂકવવી પડશે
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.