ભારતીય બજાર નિયામક સેબી (SEBI)એ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) અને વિદેશી વેન્ચર કેપિટલ રોકાણકારો (FVCI) માટે નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે આ વિદેશી રોકાણકારોને ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે ફી અમેરિકન ડોલરમાં નહીં, પરંતુ ભારતીય રૂપિયામાં ચૂકવવી પડશે. સેબીના આ નિર્ણયને ભારતીય ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભારતીય ચલણમાં ફી ચૂકવવાની રહેશે
સેબી દ્વારા 3 જુલાઈએ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, કેટેગરી-1 FPI અને FVCI માટે અત્યાર સુધી નક્કી કરાયેલી 2,500 અમેરિકન ડોલરની રજિસ્ટ્રેશન ફીને હવે બદલીને 2.3 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફારથી વિદેશી રોકાણકારોને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં થતા ઉતાર-ચઢાવની ચિંતા નહીં રહે અને તેમને એક નિશ્ચિત ભારતીય ચલણમાં ફી ચૂકવવાની રહેશે.
જરૂરી માહિતી પણ નિર્ધારિત ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે
આ ઉપરાંત સેબીએ FPI રજિસ્ટ્રેશન માટેના કોમન એપ્લિકેશન ફોર્મમાં પણ ફેરફાર કર્યા છે. હવે અરજી કરનાર વ્યક્તિની જન્મ તારીખ અથવા કંપનીની સ્થાપના તારીખ આપવી ફરજિયાત રહેશે. આ પગલું પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) જાહેર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ ડિઝિગ્નેટેડ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (DDPs) માટે પણ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદેશી રોકાણકાર પાસેથી રજિસ્ટ્રેશન ફી મળ્યા બાદ DDPએ પાંચ કાર્યકારી દિવસની અંદર આ રકમ સેબીને ભારતીય રૂપિયામાં જમા કરાવવાની રહેશે. સાથે જરૂરી માહિતી પણ નિર્ધારિત ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે.
સત્તાવાર આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સેબીએ FPI અને FVCI પાસેથી રજિસ્ટ્રેશન, રિન્યુઅલ અને અન્ય ચાર્જના રૂપમાં 12.98 મિલિયન ડોલરની આવક મેળવી હતી. હવે ફીનું માળખું રૂપિયામાં બદલાતા ભવિષ્યમાં આ આવક ભારતીય ચલણમાં નોંધાશે.
આ પણ વાંચો : Stock Market Closing: ટ્રમ્પનું એક નિવેદન અને શેર માર્કેટ ક્રેશ, સેન્સેક્સમાં 1774 પોઇન્ટનો કડાકો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.