કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ (NC-JCM) ના કર્મચારી પક્ષે સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપરત કર્યું છે. આ દરખાસ્તોમાં પગાર માળખા, ભથ્થાં અને પેન્શન લાભોમાં એવા ફેરફારો સૂચવવામાં આવ્યા છે જે કર્મચારીઓના 'ટેક-હોમ' પગારમાં મોટો ઉછાળો લાવી શકે છે.
DA મર્જર અને પગારનું નવું માળખું
કર્મચારી પક્ષની સૌથી મહત્વની માંગ મોંઘવારી ભથ્થા (DA) ને લઈને છે. પ્રસ્તાવ મુજબ, જ્યારે પણ DA (પેન્શનરો માટે DR) 25 ટકાના આંકડાને સ્પર્શે, ત્યારે તેને સીધો જ મૂળ પગાર (Basic Pay) માં મર્જ કરી દેવો જોઈએ. હાલમાં DA 60 ટકાની આસપાસ છે. જો આ દરખાસ્ત સ્વીકારવામાં આવે, તો પગારનો પાયો કાયમી ધોરણે મોટો થશે, જેની સીધી અસર ગ્રેચ્યુઈટી, નિવૃત્તિ લાભો અને અન્ય ભથ્થાં પર પડશે. કર્મચારીઓ ઈચ્છે છે કે DA ની ગણતરી 12 મહિનાની સરેરાશને બદલે 6 મહિનાની સરેરાશના આધારે થાય, જેથી ફુગાવાની અસર ઝડપથી પગારમાં પ્રતિબિંબિત થાય.
HRA માં ધરખમ ફેરફાર અને પેન્શનરો માટે નવી માંગ
વધતા ઘરભાડા અને રહેઠાણના ખર્ચને જોતા, HRA ના દરોમાં મોટા સુધારાની દરખાસ્ત મૂકવામાં આવી છે:
X શહેરો: મૂળ પગારના 40% HRA.
Y શહેરો: 35% HRA.
Z શહેરો: 30% HRA.
આ ઉપરાંત, ઈતિહાસમાં પ્રથમવાર પેન્શનરો માટે પણ HRA ની માંગ કરવામાં આવી છે. વધુમાં, એવું સૂચન કરાયું છે કે HRA ને પણ DA સાથે જોડવામાં આવે જેથી ફુગાવા મુજબ તે આપમેળે વધતું રહે.
ભથ્થામાં 3 ગણો વધારો અને જોખમ ભથ્થું
કર્મચારી પક્ષે જીવન ખર્ચમાં થયેલા વધારાને ટાંકીને અનેક પાયાના ભથ્થામાં ત્રણ ગણો (3x) વધારો કરવાની માંગ કરી છે. જેમાં પરિવહન ભથ્થું, નર્સિંગ ભથ્થું અને સમાન ભથ્થાનો સમાવેશ થાય છે. ખાસ કરીને રેલવે, સંરક્ષણ અને આરોગ્ય જેવા ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે 'જોખમ અને કઠિનતા ભથ્થું' (Risk and Hardship Allowance) દર મહિને ઓછામાં ઓછું ₹10,000 કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
આ પણ વાંચોઃ US-Iran Peace Talks: ન કોઇ મધ્યસ્થી કે ન કોઇ સલાહકાર, ઇરાન સાથે સીધી વાતચીત કરી શકે છે ડોનાલ્ડ ટ્ર્મ્પ!