દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મહત્વની સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે લેખિત જવાબમાં જણાવ્યું છે કે 8મા પગાર પંચની ઔપચારિક રચના કરી દેવામાં આવી છે અને આ અંગેની સત્તાવાર સૂચના 3 નવેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી.

પંચની જવાબદારી અને કાર્યક્ષેત્ર

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના વર્તમાન પગાર ધોરણ, વિવિધ ભથ્થાં, પેન્શન માળખું અને સેવાની શરતોની વિગતવાર સમીક્ષા કરશે. પંચનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી અને જીવનધોરણને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના આર્થિક લાભોમાં સુધારો લાવવાનો છે.

રિપોર્ટ અને અમલીકરણની સમયરેખા

સરકારે સ્પષ્ટ કર્યું છે કે 8મા પગાર પંચને તેની ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદા મુજબ, પંચ પોતાનો અંતિમ અહેવાલ 2027માં સરકારને સુપરત કરશે. આનો અર્થ એ થાય છે કે સરકારી કર્મચારીઓએ સુધારેલા પગાર અને ભથ્થાંનો લાભ મેળવવા માટે હજુ થોડી લાંબી રાહ જોવી પડશે.

હાલમાં કોઇ નિશ્ચિત આંકડો આપવો શક્ય નથી

જ્યારે સરકાર પર પડનારા આર્થિક બોજ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે મંત્રાલયે જણાવ્યું કે પંચની ચોક્કસ ભલામણો આવ્યા બાદ જ વાસ્તવિક નાણાકીય બોજનું અનુમાન લગાવી શકાશે. હાલમાં કોઈ નિશ્ચિત આકડો આપવો શક્ય નથી.
કોને લાભ મળશે અને કોને નહીં?
આ પગાર પંચનો સીધો લાભ તમામ કેન્દ્રીય વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને મળશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓ આ પગાર પંચ હેઠળ આવતા નથી. બેંક કર્મચારીઓના પગારમાં સુધારો ભારતીય બેંકો સંગઠન (IBA) સાથેના દ્વિપક્ષીય કરારો દ્વારા કરવામાં આવે છે, તેથી તેમને આ પંચનો લાભ મળશે નહીં. આ અપડેટથી કેન્દ્રીય કર્મચારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે, કારણ કે 7મા પગાર પંચ પછી આ નવું પંચ તેમના પગારમાં નોંધપાત્ર ઉછાળો લાવી શકે છે.



  • Follow us on: