પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના વડા ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તેમની જેલની પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ડગલું ભર્યું છે. કોર્ટે ઇમરાન ખાનની જેલની રહેણીકરણીની તપાસ કરવા માટે વકીલ સલમાન સફદરને 'એમિકસ ક્યુરી' (કોર્ટના મિત્ર) તરીકે નિયુક્ત કર્યા છે.

૩ કલાકની કરી લાંબી મુલાકાત

સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા, સલમાન સફદરે મંગળવારે અદિયાલા જેલમાં જઈને ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સફદરે જણાવ્યું હતું કે, ઇમરાન ખાન સ્વસ્થ છે અને તંદુરસ્ત દેખાય છે. જોકે, તેમણે મુલાકાતની અંદરની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમણે આ અંગેનો સત્તાવાર રિપોર્ટ સીધો કોર્ટમાં રજૂ કરવાનો છે.

કોર્ટની કાર્યવાહી અને નવો રિપોર્ટ

આ મામલે મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદી અને ન્યાયાધીશ શાહિદ બિલાલ હસનની બનેલી બેન્ચ સુનાવણી કરી રહી છે. અગાઉ, સરકાર તરફથી રજૂ કરવામાં આવેલ રિપોર્ટને કોર્ટે અપૂરતો ગણાવ્યો હતો, કારણ કે તે જૂનો અને અટોક જેલ સાથે સંબંધિત હતો. હવે ઇમરાન અદિયાલા જેલમાં હોવાથી, કોર્ટે ત્યાંની વર્તમાન પરિસ્થિતિઓનો નવો અને તટસ્થ રિપોર્ટ માંગ્યો છે.

કોર્ટની ઇમરાનને મળવાને લઇને આપી સ્પષ્ટ સૂચના

કોર્ટે સ્પષ્ટ સૂચના આપી હતી કે 'એમિકસ ક્યુરી'ને ઇમરાન ખાનને મળવા માટે કોઈ પણ અડચણ વગર પ્રવેશ મળવો જોઈએ અને તેમને જેલની બહાર રાહ જોવડાવવી જોઈએ નહીં. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાનને જેલના નિયમો મુજબ યોગ્ય સુવિધાઓ મળી રહી છે કે નહીં.

બુધવારે લેખિત અહેવાલ સુપ્રીમ કોર્ટમાં સુપરત

સલમાન સફદર બુધવારે તેમનો લેખિત અહેવાલ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરશે. આ અહેવાલમાં ઇમરાન ખાનના સ્વાસ્થ્ય, તેમને મળતી ભોજનની સુવિધા અને જેલની કોટડીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી હોવાની શક્યતા છે. કોર્ટ હવે ૧૨ ફેબ્રુઆરીના રોજ આ મામલે ફરીથી સુનાવણી હાથ ધરશે, જેમાં આ રિપોર્ટના આધારે આગળના આદેશો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Russian oil પર ભારતની બ્રેક? યુએસ ટ્રેડ ચીફે ઓઇલ ખરીદી અને ટેરિફ અંગે કર્યો મોટો ખુલાસો