અદાણી ગ્રુપની માલિકીની અંબુજા સિમેન્ટે નાણાકીય વર્ષ 2025-26ની ચોથી ત્રિમાસિક (Q4) માટે જબરદસ્ત પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીના નફામાં ગયા વર્ષની સરખામણીએ 78%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ મજબૂત પ્રદર્શનને કારણે બજાર વિશ્લેષકોનું ધ્યાન ફરી એકવાર કંપની તરફ ખેંચાયું છે.

નફામાં મોટો ઉછાળો

માર્ચમાં પૂર્ણ થયેલી ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ ₹1,830 કરોડ રહ્યો છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ₹1,025 કરોડ હતો. આ વૃદ્ધિ કંપનીની મજબૂત વેચાણ અને સુધરેલી કામગીરીને દર્શાવે છે. કંપનીનું ઓપરેશનલ રેવન્યૂ પણ 10% વધીને ₹10,892 કરોડ સુધી પહોંચ્યું છે. ખાસ વાત એ છે કે ત્રિમાસિક આધાર પર નફામાં 664%નો વિશાળ ઉછાળો નોંધાયો છે.

કંપનીએ કરી 10%ની વાર્ષિક વૃદ્ધિ

બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹2ના ડિવિડેન્ડની ભલામણ કરી છે. તેની રેકોર્ડ તારીખ 12 જૂન 2026 નક્કી કરવામાં આવી છે અને મંજૂરી બાદ ચુકવણી 1 જુલાઈ 2026થી શરૂ થશે. કંપનીએ આ ત્રિમાસિકમાં અત્યાર સુધીનું સૌથી વધુ 19.9 મિલિયન ટન સિમેન્ટ વેચાણ નોંધાવ્યું છે, જે 10%ની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. કંપની સંપૂર્ણપણે દે-મુક્ત (Debt-Free) છે અને તેનો ઓપરેટિંગ માર્જિન 13.4% રહ્યો છે. વિસ્તારની દિશામાં કંપનીએ જોધપુરમાં 3 MTPA ક્ષમતા લાઈન શરૂ કરી છે, જ્યારે દહેજમાં નવી લાઈનનું ટ્રાયલ ચાલુ છે. ઉપરાંત સાંઘી અને પેન્ના સિમેન્ટનું વિલય પણ પૂર્ણ થયું છે, જેના કારણે બજારમાં કંપનીની પકડ વધુ મજબૂત બની છે.

આ પણ વાંચો : BHEL કંપનીના નફામાં 3 ગણો વધારો, શેર ખરીદવા તુટી પડ્યા રોકાણકારો, જાણો કારણ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.