શેરબજારમાં સરકારી કંપનીઓનું મજબૂત પ્રદર્શન હાલમાં રોકાણકારોના ચહેરા પર ખુશી લાવી રહ્યું છે. આ જ ક્રમમાં BHELએ પોતાના નાણાકીય વર્ષ 2025-26ના ચોથી ત્રિમાસિક (Q4)ના પરિણામોથી બજારમાં ધમાકો કર્યો છે. કંપનીના નફામાં ભારે ઉછાળો નોંધાતા પરિણામ જાહેર થતા જ શેરમાં જોરદાર ખરીદી જોવા મળી.
મજબૂત નફાથી બજારમાં ઉત્સાહ
ચોથી ત્રિમાસિકમાં કંપનીનો સંયુક્ત ચોખ્ખો નફો વર્ષ દર વર્ષે 155.82% વધીને ₹1,290.47 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે ₹504.45 કરોડ હતો. ત્રિમાસિક આધાર પર પણ નફામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. Q3FY26ના ₹390.40 કરોડની સામે 230%થી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીના ઓપરેશનલ રેવન્યૂમાં પણ મજબૂતી જોવા મળી છે, જે વર્ષદર વર્ષે લગભગ 37% વધી ₹12,310.3 કરોડ સુધી પહોંચ્યું છે. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે કંપનીનો કુલ નફો લગભગ ત્રણ ગણો વધી ₹1,600.26 કરોડ રહ્યો છે, જ્યારે ગયા વર્ષમાં તે ₹533.90 કરોડ હતો. વાર્ષિક આવક પણ 19%થી વધુ વધીને ₹33,782.18 કરોડ થઈ છે.
ડિવિડન્ડની જાહેરાત
મજબૂત પરિણામો બાદ કંપનીએ શેરધારકોને ફાયદો આપવાનો નિર્ણય લીધો છે. BHELના બોર્ડે ₹2 ફેસ વેલ્યૂના દરેક શેર પર ₹1.40નો અંતિમ ડિવિડેન્ડ જાહેર કરવાની ભલામણ કરી છે, જે 70% પેઆઉટ દર્શાવે છે. આ પગલું નિયમિત આવક ઇચ્છતા રોકાણકારો માટે સકારાત્મક છે.
શેરમાં જોરદાર તેજી
પરિણામોની જાહેરાત પછી શેરબજારમાં BHELના શેરોમાં ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન લગભગ 10.7% સુધીનો ઉછાળો આવ્યો. કંપનીના મજબૂત બિઝનેસ મોડલ અને ભવિષ્યની યોજનાઓને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે. BHEL ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભારતની અગ્રણીઓમાંની એક છે. કંપની થર્મલ, હાઈડ્રો, ગેસ, પરમાણુ અને સોલાર પાવર સિસ્ટમ્સ માટે સાધનો બનાવે છે. સાથે સાથે કંપની રક્ષા, ઓઈલ અને ગેસ, બેટરી એનર્જી સ્ટોરેજ અને EV ચાર્જર જેવા નવા ક્ષેત્રોમાં પણ ઝડપથી આગળ વધી રહી છે.
રોકાણકારોને મજબૂત રિટર્ન
છેલ્લા એક અઠવાડિયામાં BHELના શેરે આશરે 17.61%નું રિટર્ન આપ્યું છે, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધીમાં લગભગ 36.2%નો વધારો નોંધાયો છે. કુલ મળીને કંપનીના મજબૂત પરિણામો અને વૃદ્ધિની સંભાવનાઓને કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે અને શેરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ETF Investment : નાણાકીય વર્ષ 26માં ETFમાં થયું રેકોર્ડબ્રેક રોકાણ, જાણો આંકડો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.