અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને માર્ચ 2026 ત્રિમાસિક (Q4FY26) દરમિયાન મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નફો અને આવક બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે, જે તેના મજબૂત ઓપરેશન અને વધતા કાર્ગો વોલ્યુમને દર્શાવે છે.

કુલ આવકમાં 26%નો વધારો નોંધાયો

કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 10% વધીને 3,329 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 3,014 કરોડ રૂપિયા હતો. સાથે જ કુલ આવકમાં 26%નો વધારો નોંધાયો છે અને તે 10,737 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. કંપનીનું EBITDA પણ લગભગ 20% વધીને 6,000 કરોડ રૂપિયાના આસપાસ રહ્યું છે. સંપૂર્ણ નાણાકીય વર્ષ FY26 દરમિયાન કંપનીનો નફો 16% વધીને 12,782 કરોડ રૂપિયા થયો છે, જ્યારે વાર્ષિક આવક 25% વધીને 38,736 કરોડ રૂપિયા થઈ છે.

લોજિસ્ટિક્સ વિભાગમાં 55%ની વૃદ્ધિ નોંધાઈ

આ સાથે કંપનીએ 500 મિલિયન મેટ્રિક ટન (MMT)થી વધુ કાર્ગો હેન્ડલ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. બિઝનેસ સેગમેન્ટ પ્રમાણે લોજિસ્ટિક્સ વિભાગમાં 55%ની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે મરીન બિઝનેસમાં 134%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ પોર્ટ્સમાંથી આવકમાં 34%નો વધારો થયો છે, જ્યારે ડોમેસ્ટિક પોર્ટ્સે 13%ની સ્થિર વૃદ્ધિ નોંધાવી છે.

7.50 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર

કંપનીના બોર્ડે FY26 માટે પ્રતિ શેર 7.50 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કરવાની ભલામણ કરી છે, જેના માટે 12 જૂનને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. કંપનીના CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો હોવા છતાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું છે. શેર બજારમાં પણ કંપનીના શેરોમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે અને 30 એપ્રિલ 2026ના રોજ શેર લગભગ 0.87%ની વૃદ્ધિ સાથે 1,675 રૂપિયા પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Vedanta Q4 Results : માઈનિંગ કંપનીનો નફો 92 ટકા વધ્યો, શેરના ભાવમાં આવ્યો 5 ટકાનો વધારો

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.