શેરબજારમાં આ દિવસોમાં પાવર સેક્ટર ખાસ ચર્ચામાં છે અને તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે અદાણી પાવરે. સોમવારે કંપનીના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો અને BSE પર શેર રૂપિયા 205.35ના નવા 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો. આ તેજી પાછળ એક નહીં પરંતુ અનેક મહત્વના પરિબળો જવાબદાર છે.


ન્યુક્લિયર એનર્જીમાં અદાણીનો મોટો દાવ

અદાણી ગ્રુપ હવે પરંપરાગત વીજ ઉત્પાદન સાથે ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રમાં પણ મજબૂત રીતે પગલું ભરી રહ્યો છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી મુજબ, અદાણી એટોમિક એનર્જીએ પોતાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ‘Coastal-Maha Atomic Energy’ (CMAEL)ની સ્થાપના કરી છે. 13 એપ્રિલે રચાયેલી આ કંપનીને 18 એપ્રિલે ઈન્કોર્પોરેશન સર્ટિફિકેટ મળ્યું હતું. કંપનીનું મુખ્ય કામ ન્યુક્લિયર એનર્જી દ્વારા વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કરવાનો રહેશે. રૂપિયા 5 લાખની પ્રારંભિક અધિકૃત મૂડી સાથે બનેલી આ કંપનીને રૂપિયા 10ના 50,000 ઈક્વિટી શેરોમાં વહેંચવામાં આવી છે. ફેબ્રુઆરીમાં જ અદાણી એટોમિક એનર્જીની જાહેરાત થઈ હતી, જે બાદ હવે આ પગલાંને બજારમાં સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

એક મહિનામાં શેરમાં અંદાજે 35 ટકાનો ઉછાળો

શેરમાં તેજીનું બીજું મોટું કારણ બદલાતું હવામાન છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં અંદાજે 35 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે માત્ર એક અઠવાડિયામાં જ તે લગભગ 13 ટકા ચઢ્યો છે. માર્ચની શરૂઆતમાં વીજળીની માંગ ઊંચી સપાટીએ હતી. પરંતુ 20 માર્ચ આસપાસ આવેલા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે હવામાનમાં અચાનક બદલાવ આવ્યો અને બેમોસમી વરસાદ સાથે ઠંડક જોવા મળી.

હવે આ સિસ્ટમ ઉત્તર ભારતમાંથી દૂર જતાં નિષ્ણાતો ભયંકર ગરમીની આગાહી કરી રહ્યા છે. વધતી ગરમીનો સીધો અર્થ છે કે દેશભરમાં એર કન્ડિશનર અને અન્ય વીજ ઉપકરણોના ઉપયોગમાં વધારો થશે, જેના કારણે વીજળીની માગ વધશે. આ પરિસ્થિતિ અદાણી પાવર જેવી કંપનીઓ માટે નફાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Business News : આ અઠવાડિયે LIC-TCSએ રોકાણકારોને કરાવી મોટી કમાણી, જાણો કઈ કંપનીના માર્કેટકેપમાં થયો ઘટાડો?

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.



  • Follow us on: