શેરબજાર માટે ગયું અઠવાડિયું ખૂબ જ શાનદાર રહ્યું હતું. 14 એપ્રિલની રજાને કારણે ચાર દિવસના ટ્રેડિંગ સપ્તાહમાં રોકાણકારોએ તગડા નફાની કમાણી કરી. આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓના માર્કેટકેપમાં જોરદાર વધારો નોંધાયો. આ 8 કંપનીઓના રોકાણકારોએ મળીને કુલ 1.87 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.


સૌથી વધુ નફો ભારતી એરટેલના રોકાણકારોને

આ દરમિયાન સેન્સેક્સ 943.29 પોઈન્ટ અથવા 1.21 ટકા વધી ગયો હતો, જ્યારે NSE Niftyમાં પણ 303 પોઇન્ટ અથવા 1.25 ટકાનો વધારો નોંધાયો હતો. સૌથી વધુ નફો ટેલિકોમ દિગ્ગજ ભારતી એરટેલના રોકાણકારોને થયો હતો. કંપનીનું માર્કેટ કેપ વધીને 11.25 લાખ કરોડ રૂપિયા થયું અને માત્ર ચાર દિવસમાં રોકાણકારોએ 58,831 કરોડ રૂપિયા કમાયા હતા.

કેટલું રહ્યું TCSનું માર્કેટ કેપ?

ત્યારબાદ દેશની સૌથી મોટી વીમા કંપની LIC બીજા સ્થાને રહી હતી. તેના રોકાણકારોએ ચાર દિવસમાં 27,609 કરોડ રૂપિયાનો નફો કમાવ્યો હતો અને કંપનીનું માર્કેટ કેપ વધીને 5.32 લાખ કરોડ રૂપિયા થયું હતું. અન્ય કંપનીઓમાં TCSનું માર્કેટ કેપ 20,732 કરોડ રૂપિયાના વધારા સાથે 9.34 લાખ કરોડ રૂપિયા થયું હતું. ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 20,231 કરોડ રૂપિયાના ઉછાળાની સાથે 18.47 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું હતું.

આ સિવાય L&Tનું માર્કેટ કેપ 18,578 કરોડ રૂપિયા વધીને 5.63 લાખ કરોડ રૂપિયા થયું, ICICI બેન્કનું માર્કેટ કેપ 18,267 કરોડ રૂપિયાના વધારા સાથે 9.65 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ 12,600 કરોડ રૂપિયા વધીને 9.97 લાખ કરોડ રૂપિયા થયું, જ્યારે ઈન્ફોસિસનું માર્કેટ કેપ 10,650 કરોડ રૂપિયા વધીને 5.35 લાખ કરોડ રૂપિયા થયું હતું.

HDFC બેન્ક અને બજાજ ફાયનાન્સની માર્કેટકેપમાં ઘટાડો

બીજી તરફ, બે કંપનીઓના રોકાણકારોને નુકસાન સહન કરવું પડ્યું હતું. તેમાં પ્રથમ નંબરે HDFC બેન્ક રહી, જેના માર્કેટ કેપમાં 16,163 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ 12.31 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ઉપરાંત બજાજ ફાયનાન્સનું માર્કેટ કેપ 9,769 કરોડ રૂપિયા ઘટીને 5.65 લાખ કરોડ રૂપિયા થયું હતું. માર્કેટ કેપના આધારે દેશની ટોચની કંપનીઓમાં આ અઠવાડિયે પણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી હતી. ત્યારબાદ HDFC બેન્ક, ભારતી એરટેલ, એસબીઆઈ, ICICI બેન્ક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, એલએન્ડટી, ઈન્ફોસિસ અને LICનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : Yes Bank Q4 Results : બેન્કનો નફો 45 ટકા વધ્યો, NPAમાં થયો ઘટાડો, શું શેરના ભાવ પર પડશે અસર?

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.


  • Follow us on: