પ્રાઈવેટ સેક્ટરની બેન્ક યસ બેન્કે જાન્યુઆરી–માર્ચ 2026 ત્રિમાસિક પરિણામોમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. સ્ટેન્ડઅલોન આધાર પર બેન્કનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 44.7 ટકા વધીને 1,068.42 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ નફો 738.12 કરોડ રૂપિયા હતો. બેન્કની કુલ સ્ટેન્ડઅલોન આવક લગભગ સ્થિર રહીને 9,381.07 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ આ આંકડો 9,355.39 કરોડ રૂપિયા હતો.
બેન્કના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સુધારો
ત્રિમાસિક દરમિયાન બેન્કની કુલ વ્યાજ આવક 7,650.90 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષની 7,616.13 કરોડ રૂપિયાની તુલનામાં થોડો વધારો દર્શાવે છે. શુદ્ધ વ્યાજ આવક (NII)માં 16 ટકાનો વધારો નોંધાયો છે અને તે 2,637.7 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષે આ આંકડો 2,276.3 કરોડ રૂપિયા હતો. બેન્કનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) પણ સુધરીને 2.7 ટકા થયું છે, જે અગાઉ 2.5 ટકા હતું.













