ભારત સરકાર દેશને ખાતર ઉત્પાદન ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં 'કોલસા ગેસિફિકેશન' (Coal Gasification) આધારિત યુરિયા ઉત્પાદન માટે નવી નીતિ જાહેર કરી શકે છે. આ નવી પોલિસી આવવાથી ભારતની વિદેશથી આયાત કરવામાં આવતા મોંઘા નેચરલ ગેસ (પ્રાકૃતિક ગેસ) પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે, જેનાથી દેશની અબજો રૂપિયાની વિદેશી મુદ્રાની બચત થશે. હાલના તબક્કે, ભારત પોતાના યુરિયા ઉત્પાદન માટે જરૂરી એવા નેચરલ ગેસનો લગભગ ૨૫ ટકા હિસ્સો વિદેશોમાંથી આયાત કરે છે. નવી નીતિ અંતર્ગત સ્થાનિક કોલસાના ઉપયોગને પ્રોત્સાહન આપીને દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવામાં આવશે.

શું છે કોલસા ગેસિફિકેશન આધારિત યુરિયા ટેકનોલોજી?

આ આધુનિક ટેકનોલોજીમાં કાચા કોલસા અને પેટ કોકને ઊંચા તાપમાને ઓક્સિડાઇઝ કરીને 'સિન્થેટિક ગેસ' એટલે કે સિનગેસ (Syngas) તૈયાર કરવામાં આવે છે. આ સિનગેસમાં હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડનો સમાવેશ થાય છે. ત્યારબાદ, હવામાંથી મેળવેલા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનને મિશ્રિત કરીને પહેલા એમોનિયા બનાવવામાં આવે છે અને પછી કાર્બન ડાયોક્સાઇડની મદદથી યુરિયા ખાતર તૈયાર થાય છે. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે નેચરલ ગેસને બદલે ભારતના જ વિશાળ કોલસા ભંડારનો ઉપયોગ કરે છે, જેના કારણે ભારત આંતરરાષ્ટ્રીય બજારના ગેસના ભાવવધારાથી સુરક્ષિત થઈ જશે.

બે મંત્રાલયો સાથે મળીને કરી રહ્યા છે કામ

કોલસા સચિવ વિક્રમ દેવ દત્તના જણાવ્યા અનુસાર, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય છેલ્લા કેટલાક સમયથી આ નવી યુરિયા નીતિ પર સઘન કામ કરી રહ્યું છે. વર્તમાન વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિઓ અને દેશની ઉર્જા સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવી છે. કોલસા મંત્રાલયે ભલામણ કરી છે કે નવી નીતિમાં કોલસા ગેસિફિકેશન આધારિત પ્લાન્ટ્સને વિશેષ સ્થાન અને પ્રોત્સાહન આપવામાં આવે.

ખાનગી કંપનીઓ પણ બતાવી રહી છે ભારે રસ

સરકારની આ આગામી પોલિસીને કારણે દેશની અગ્રણી ખાનગી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં રોકાણ કરવા આગળ આવી છે. મહારાષ્ટ્રની 'ન્યૂ એરા ક્લીનટેક સોલ્યુશન' કંપનીએ સરકાર પાસે માંગ કરી છે કે કોલસા આધારિત આ પ્રોજેક્ટ્સને ગેસ આધારિત પ્લાન્ટ્સની સમકક્ષ જ સવલતો અને સબસિડી મળવી જોઈએ. આ કંપની મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ભદ્રાવતી ખાતે ૧.૨૭ MMTPA ની ક્ષમતા ધરાવતો દેશનો મોટો કોલસા ગેસિફિકેશન આધારિત યુરિયા પ્લાન્ટ સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે. સરકાર મક્કમ છે કે આવા પ્રોજેક્ટ્સ ભારતને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની સાથે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.

આ પણ વાંચો:Mount Everest:એવરેસ્ટ પર કેમ પડી રહી છે 200થી વધુ લાશ?એક ડેડબોડી નીચે લાવવાનો ખર્ચ જાણી હોશ ઉડી જશે