તાજેતરમાં હૈદરાબાદના ટેક પ્રોફેશનલ અરુણ કુમાર તિવારીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો, પરંતુ કમનસીબે પરત ફરતી વખતે તબિયત બગડવાને કારણે તેમનું ત્યાં જ અવસાન થયું. શેરપાઓના અથાક પ્રયાસો છતાં પણ તેમને બચાવી શકાયા નહીં. આ દુઃખદ ઘટના બાદ તેમના પરિવારે અરુણની ડેડબોડીને હિમાલયમાં જ છોડી દેવાનો મોટો નિર્ણય લીધો છે. પરિવારનું માનવું છે કે તેઓ શિવભક્ત હતા અને હવે હંમેશાં શિવજીની પાસે જ રહેશે. આ ઘટનાએ ફરી એકવાર એ સવાલ પૂછવા પર મજબૂર કર્યો છે કે, વિશ્વના સૌથી ઊંચા શિખર પર પર્વતારોહકોના મોત બાદ તેમના મૃતદેહોને ત્યાં જ કેમ છોડી દેવામાં આવે છે?
ડેડબોડી નીચે ન લાવવા પાછળના ૩ મુખ્ય કારણો
ભયાનક આર્થિક બોજ (ખર્ચ): એવરેસ્ટ પરથી કોઈ લાશ નીચે લાવવી એ સામાન્ય માણસના બજેટ બહારની વાત છે. અરુણ તિવારીના પરિવાર પાસે પણ ડેડબોડી લાવવા માટે પહેલા 1 કરોડ રૂપિયા અને પછી 94 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તાત્કાલિક આટલી મોટી રકમ એકઠી કરવી કોઈપણ પરિવાર માટે અત્યંત મુશ્કેલ હોય છે.
ઊંચાઈ, જીવનું જોખમ અને વજન: એવરેસ્ટ પર 8000 મીટરથી ઉપરનો વિસ્તાર 'ડેથ ઝોન' કહેવાય છે, જ્યાં ઓક્સિજનની ભારે અછત અને હાડ થીજવતી ઠંડી હોય છે. અતિશય ઠંડીને કારણે લાશ બરફમાં જામી જાય છે, જેથી તેનું વજન 150 કિલો (દોઢ ક્વિન્ટલ) સુધી વધી જાય છે. આવા વાતાવરણમાં લાશ ઉઠાવવી એ બચાવ ટીમ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, ઘણીવાર રેસ્ક્યુ કરનારા પણ આમાં જીવ ગુમાવે છે. આ કામ મુખ્યત્વે સ્થાનિક શેરપાઓ અને નેપાળ આર્મી દ્વારા કરવામાં આવે છે.
ધાર્મિક આસ્થા અને પૂર્વ કરાર: ઘણા પરિવારો હિમાલયને પવિત્ર માને છે અને ત્યાં અંતિમ શ્વાસ લેવાને સન્માન ગણે છે. વળી, પર્વતારોહકો ચઢાઈ કરતા પહેલા જ એક ફોર્મ ભરે છે, જેમાં લખેલું હોય છે કે જો તેમનું મૃત્યુ થાય તો લાશ ત્યાં જ છોડી દેવામાં આવે.
એવરેસ્ટના 'લેન્ડમાર્ક' બનેલા મૃતદેહો
હાલમાં એવરેસ્ટ પર 200થી વધુ લાશો પડી રહી છે, જેને નેપાળ આર્મી ક્લીન-અપ કેમ્પેઈન દ્વારા રસ્તા પરથી હટાવીને કિનારે કરે છે. અહીં બે લાશો વિશ્વ વિખ્યાત છે:
ગ્રીન બૂટ્સ: લદ્દાખના ભારતીય પર્વતારોહક સે વાંગ પાલજોર 1996ના ભયાનક તોફાનમાં મૃત્યુ પામ્યા હતા. તેમના ચમકીલા નિયોન લીલા રંગના બૂટને કારણે તેમને 'ગ્રીન બૂટ્સ' નામ મળ્યું અને બે દાયકા સુધી તેમનો દેહ અન્ય ક્લાઈમ્બર્સ માટે એક સીમાચિહ્ન (લેન્ડમાર્ક) બની રહ્યો હતો.
સ્લીપિંગ બ્યુટી: અમેરિકાની ફ્રાન્સિસ અર્સેન્ટિએવ 1998માં ઓક્સિજન વગર એવરેસ્ટ ચઢનારી પ્રથમ અમેરિકી મહિલા બની, પણ ઉતરતી વખતે ઠંડી અને થાકને લીધે મૃત્યુ પામી. તેનો દેહ વર્ષો સુધી રસ્તા પર એ જ અવસ્થામાં પડ્યો રહ્યો હોવાથી તેને આ નામ મળ્યું, જેને 2007માં સન્માનજનક રીતે રસ્તા પરથી બાજુ પર ખસેડાયો હતો.
આ પણ વાંચો:Kuwait Attack: કુવૈત પર મિસાઈલ અને ડ્રોન હુમલો, મિડલ ઈસ્ટમાં સીઝફાયર તૂટ્યું