ગુજરાતના અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ વિમાનમાં 242 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી એક માત્ર વ્યક્તિનો બચાવ થયો છે જ્યારે 241 લોકો દુર્ધટનામાં મોતને ભેટ્યાં છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું પરંતુ ટેકઓફ થયા બાદ તરત જ પ્લેન ક્રેશ થયું હતું. આ દુ:ખદ અકસ્માત પર મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રાએ સહિત અનેક ઉદ્યોગપતિઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
મુકેશ અંબાણીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
અમદાવાદ વિમાન દુર્ઘટના પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ શોક વ્યક્ત કર્યો છે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'નીતા અને હું, સમગ્ર રિલાયન્સ પરિવાર સાથે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છીએ. અમે આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. દુઃખની આ ઘડીમાં રિલાયન્સ રાહત કામગીરીમાં સંપૂર્ણ મદદ કરશે અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા તૈયાર છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં તમામ અસરગ્રસ્ત લોકોને શક્તિ અને સાંત્વના મળે.'
ગૌતમ અદાણી કહ્યું-ખૂબ જ દુઃખી
ગૌતમ અદાણીએ તેમના X એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'એર ઈન્ડિયા ફ્લાઈટ 171ની દુર્ઘટનાથી અમે આઘાત પામ્યા છીએ અને ખૂબ જ દુઃખી છીએ. અકલ્પનીય નુકસાન સહન કરનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. અમે તમામ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને જમીન પર રહેલા પરિવારોને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ. અદાણી ગ્રુપે ખાતરી આપી હતી કે તે એર ઈન્ડિયા વિમાનના દુર્ઘટના પછી ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે.
આનંદ મહિન્દ્રાએ પણ દુઃખ વ્યક્ત કર્યું
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માત બાદ દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું હતું કે, 'આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મારા હૃદયમાં દુઃખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. આ અકસ્માતમાં પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના છે,જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હું તેમના માટે અને શોકમાં રહેલા લોકો માટે પ્રાર્થના કરું છું.'
હર્ષ ગોયેન્કાએ પણ દુઃખ વ્યક્ત કર્યું
RPG ગ્રુપના હર્ષ ગોયેન્કાએ પણ X પર પોસ્ટ કરી હતી કે, તમે નવી નોકરી માટે ફ્લાઈટ બુક કરાવી પણ ક્યારેય પહોંચ્યા નહીં. તમે ફેમિલી વેકેશનનું આયોજન કર્યું પણ તમને દગો મળ્યો. તમે મેડિકલ હોસ્પિટલમાં બેઠા હતા અને કાટમાળ તમારા પર પડે છે. જીવન હંમેશા ન્યાયી નથી હોતું. ક્યારેક તે ફક્ત ક્રૂર હોય છે. આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. આ બધું ખૂબ જ ખોટું થયું છે.
એર ઈન્ડિયાના ચેરમેને અને વિજય માલ્યાએ નિવેદન આપ્યું
વિજય માલ્યાએ પણ આ ઘટના પર પોતાના X એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'એર ઈન્ડિયા 171ના ક્રેશના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. પરિવારો અને તેમના પ્રિયજનો માટે મારી સંવેદના અને પ્રાર્થના.' એર ઈન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરને પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.