દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) ની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન માટે માર્ચ 2026 માં પૂરો થયેલો ત્રિમાસિક ગાળો આર્થિક દૃષ્ટિએ અત્યંત નુકસાનકારક સાબિત થયો છે. કંપની દ્વારા 29 મે ના રોજ જાહેર કરવામાં આવેલા ચોથી ક્વાર્ટરના નાણાકીય પરિણામો અનુસાર, ઇન્ડિગોને આ ત્રણ મહિનામાં 2,536 કરોડ રૂપિયાનો મોટો ચોખ્ખો ઘાટો (Net Loss) થયો છે. આ આંકડો બજાર માટે આંચકાજનક છે, કારણ કે ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ 3,068 કરોડ રૂપિયાનો મોટો નફો કર્યો હતો.
મોંઘું ઈંધણ અને મિડલ ઈસ્ટ તણાવ નડ્યો
કંપનીના જણાવ્યા અનુસાર, સ્થાનિક ફ્લાઇટ્સમાં ક્ષમતાની મર્યાદા, અમેરિકી ડોલર સામે રૂપિયાની નબળાઈ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના સતત વધતા ભાવોએ બિઝનેસ પર ભારે દબાણ લાવ્યું છે. આ ઉપરાંત, ઓપરેશનલ ખર્ચ વધવાને કારણે નફા પર માઠી અસર પડી છે. મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પ્રભાવિત થયા છે, જેના લીધે મુસાફરોની સંખ્યા 1.1% ઘટીને 3.16 કરોડ રહી ગઈ છે. આ નબળા પ્રદર્શનની અસર શેરબજાર પર પણ જોવા મળી અને 29 મે ના રોજ ઇન્ડિગોના શેર ૩% ઘટીને 4,420 રૂપિયા પર બંધ થયા હતા.
