ભારતીય એવિએશન ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહેલી અકાસા એર (Akasa Air) દ્વારા પોતાના પાઇલટ્સ માટે એક અગત્યની અને ખુશીની જાહેરાત કરવામાં આવી છે. એરલાઇને પાઇલટ્સના પગારમાં 20% સુધીના વધારા સાથે લઘુત્તમ માસિક ઉડાન કલાકો અને વાર્ષિક રજાઓમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ નવા ફેરફારો 1 જાન્યુઆરી, 2027 થી અમલમાં મૂકવામાં આવશે. કંપનીના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય પાઇલટ્સને શ્રેષ્ઠ વળતર આપવું અને તેમના વર્ક-લાઇફ બેલેન્સને વધુ સુધારી પ્રોત્સાહિત કરવાનો છે.
પગાર અને લઘુત્તમ ઉડાન કલાકોમાં સુધારો:
સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇન પાઇલટ્સના ફિક્સ્ડ પગારની સાથે કલાકદીઠ ચૂકવણીમાં પણ વધારો કરશે, જે 20% સુધી હોઈ શકે છે. આ ઉપરાંત, લઘુત્તમ માસિક ઉડાન કલાકો વધારીને 50 કલાક નક્કી કરવામાં આવ્યા છે. આ ગેરંટીકૃત ઉડાન કલાકોના કારણે પાઇલટ્સને ચોક્કસ ન્યૂનતમ ચુકવણીની ખાતરી મળશે, પછી ભલે તેઓ ખરેખર એટલા કલાકોની ઉડાન ભરે કે ન ભરે.
42 દિવસની રજાઓ અને 'સ્માર્ટ' વર્ક પેટર્ન:
એરલાઇને પાઇલટ્સ માટે લઘુત્તમ વાર્ષિક રજા વધારીને 42 દિવસ કરવાની જાહેરાત કરી છે. પાઇલટ્સ પોતાની અનુકૂળતા મુજબ વધારાની રજાઓ પસંદ કરી શકશે. કામકાજ સરળ બનાવવા માટે બે નવી ફ્લેક્સિબલ વર્ક પેટર્ન લાવવામાં આવી છે:
'25/9' પેટર્ન: 25 દિવસ કામ અને 9 દિવસની રજા.
'6-2-6-3' પેટર્ન: 6 દિવસ કામ, 2 દિવસ રજા, ત્યારબાદ ફરી 6 દિવસ કામ અને 3 દિવસ રજા.
લાંબા ગાળાના પ્રોત્સાહનો અને નેટવર્ક વિસ્તરણ:
પગાર અને રજાઓ ઉપરાંત, પાઇલટ્સને વફાદારી પુરસ્કારો (Loyalty Rewards) અને લાંબા ગાળાના પ્રોત્સાહન યોજના (LTIP) નો લાભ આપવામાં આવશે, જેથી પાઇલટ્સ લાંબા સમય સુધી કંપની સાથે જોડાયેલા રહે.
ઓગસ્ટ 2022 માં પોતાની કામગીરી શરૂ કરનાર અકાસા એર પાસે હાલમાં 45 બોઇંગ 737 મેક્સ વિમાનોનો કાફલો છે અને તેમાં 800 થી વધુ પાઇલટ્સ કાર્યરત છે. મુંબઈ અને બેંગલુરુમાં મુખ્ય બેઝ ધરાવતી આ એરલાઇન હવે નવા વિમાનો અને રૂટ્સ ઉમેરવાની સાથે કોચી અને કોલકાતામાં પણ નવા પાઇલટ બેઝ સ્થાપવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચોઃ Appleએ લોન્ચ કર્યુ ટચસ્ક્રીન સાથેનું પહેલું MacBook, ફીચર્સ તો છે લાજવાબ