તહેવારોની સિઝન નજીક આવતાં જ દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટે તેમના પ્લેટફોર્મ પર વેચાણ કરતા સેલર્સ માટે ફી અને દંડના માળખામાં મોટા ફેરફારો કર્યા છે. જો હવે કોઈ વેચનાર ગ્રાહકની સંમતિ વિના કે પોતાની ભૂલથી ઓર્ડર રદ કરશે અથવા ડિસ્પેચમાં વિલંબ કરશે, તો તેમને ભારે દંડ ચૂકવવો પડશે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સમયસર ઓર્ડર પૂરા પાડવાનો અને સેલર્સને વધુ જવાબદાર બનાવવાનો છે.
સેલર્સની ચિંતામાં વધારો
એમેઝોન ઇન્ડિયાએ ઈઝી શિપ અને સેલ્ફ શિપ સેવાઓનો ઉપયોગ કરતા વિક્રેતાઓ માટે કેન્સલેશન ફીની ગણતરી પદ્ધતિ બદલી નાખી છે. હવે આ ફી કેટેગરી આધારિત રેફરલ ચાર્જને બદલે ઓર્ડર મૂલ્યના ટકાવારી તરીકે નક્કી કરવામાં આવી છે, જે 17 ઓગસ્ટ, 2026 થી અમલમાં આવી ચૂકી છે. નવા નિયમ મુજબ, 10,000 ઓછા ઓર્ડર પર 10 ટકા (મહત્તમ 1000 રૂપિયા સુધી) ફી વસૂલવામાં આવશે. આ ઉપરાંત, 10,000 થી 50,000 રૂપિયા સુધીના ઓર્ડર પર 8 ટકા અને 50,000 રૂપિયા સુધીના ઓર્ડર પર 5 ટકા ફી લાદવામાં આવશે. આ તમામ શુલ્ક પર 18 % જીએસટી (GST) પણ લાગુ થશે. એટલું જ નહીં, એમેઝોને 7 સપ્ટેમ્બર, 2026 થી ક્લોઝિંગ ફીમાં પણ વધારો કર્યો છે.
પીક અપ લેટ હશે તો પણ થશે દંડ
બીજી તરફ, ફ્લિપકાર્ટે ઓર્ડર પૂરા કરવામાં વિલંબ માટે ત્રણ-સ્તરીય દંડ પ્રણાલી રજૂ કરી છે, જે 23 ઓગસ્ટ, 2026 થી લાગુ થઈ છે. જો શિપમેન્ટ નિર્ધારિત તારીખે પિકઅપ માટે તૈયાર ન હોય તો 30 રૂપિયા, સેલર દ્વારા ઓર્ડર રદ કરવા પર 60 રૂપિયા અને વિલંબ પછી કેન્સલ થવા પર 90 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. અગાઉ ફ્લિપકાર્ટ સમયમર્યાદા ચૂકવા પર ખાતા અસ્થાયી રૂપે બ્લોક કરી દેતું હતું, જે હવે દૂર કરીને સીધા દંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવા વેચાણકર્તાઓને ત્રણ મહિનાની મુક્તિ આપવામાં આવી છે.
શોપિંગ કરનારાઓને હવે ચિંતા હળવી થશે
આ કડક નિયમો સામે નાના અને મધ્યમ કદના વ્યવસાયો (MSME) તથા ફોરમ ફોર ઇન્ટરનેટ રિસેલર્સ, સેલર્સ એન્ડ ટ્રેડર્સ (FIRST INDIA) ના ટ્રસ્ટી વિનોદ કુમાર જેવા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે દરેક વિલંબ કે કેન્સલેશન માટે માત્ર વેચનાર જવાબદાર હોતા નથી, કારણ કે લોજિસ્ટિક્સની સમસ્યાઓ અને પિકઅપ કર્મચારીઓની અનિયમિતતા પણ જવાબદાર હોઈ શકે છે. નાના વ્યવસાયો પર વધતો આર્થિક બોજ ઘટાડવા માટે કંપનીઓએ વધુ પારદર્શિતા અને રાહત આપવી જોઈએ.
આ પણ વાંચોઃ Ram Rahim Parole: દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી મળ્યા 21 દિવસના પેરોલ