હરિયાણા સરકારે દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી એક વખત પેરોલ આપ્યા છે, રક્ષાબંધનને લઇને તેને ફરી એકવાર 21 દિવસની પેરોલ મળી છે. આ પેરોલ મંજૂર થયા બાદ રામ રહીમ સવારે 6.5 વાગ્યે રોહતકની સુનારિયા જેલમાંથી પોતાના કાફલા સાથે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમ તરફ જવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે આ સતત ત્રીજી વખત છે જ્યારે તેમને સિરસા આશ્રમની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી છે
બર્નાવાની જગ્યાએ સિરસા આશ્રમમાં
અગાઉની પેરોલ કે ફર્લો દરમિયાન તેમને ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બર્નાવા આશ્રમમાં મોકલવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેઓ સીધા સિરસાના મુખ્ય આશ્રમમાં જઈ રહ્યા છે. આ સાથે જ રેકોર્ડ મુજબ રામ રહીમ અત્યાર સુધીમાં કુલ 17 વખત જેલમાંથી મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને વર્ષ 2017માં બે સાધ્વીઓ પર બળાત્કાર કરવા અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે
દુષ્કર્મનો આરોપી રામ રહીમને 20 વર્ષની સજા
આ ગંભીર અપરાધો માટે તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન પણ તેમને વારંવાર કામચલાઉ મુક્તિ મળતી રહી છે અને આ ૧૦ વર્ષમાં તેઓ ૧૬ વખત જેલ બહાર આવી ચૂક્યા છે. તાજેતરમાં જ મે મહિનામાં પણ તેમને ૩૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા.
અવારનવાર મળી રહ્યા છે પેરોલ
સામાન્ય રીતે જેલની સજા ભોગવી રહેલા કેદીઓને ફક્ત ચોક્કસ અને મર્યાદિત સંજોગોમાં જ પેરોલ આપવામાં આવતી હોય છે. પરંતુ રામ રહીમને વારંવાર મળતી આ કામચલાઉ મુક્તિ અને પેરોલને લઈને અવારનવાર રાજકીય અને જાહેર સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થતા આવ્યા છે. આ પ્રક્રિયાએ હાઇ-પ્રોફાઇલ કેદીઓ માટેની પેરોલ નીતિ સામે પણ અનેક સવાલો ખડા કર્યા છે.
2017માં બળાત્કાર કેસમાં દોષિત ઠેરાયા
ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ હરિયાણા અને પંજાબ ઉપરાંત દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં ફેલાયેલા છે. ઓગસ્ટ 2017 માં જ્યારે રામ રહીમને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ આ મામલો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Hormuz માંથી પસાર થતા જહાજો પસાર કરવા આપવો પડશે ટોલ! ઇરાનનો ડોલરને પડકાર