છેલ્લાં કેટલાય સમયથી અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજ પસાર કરવા મુશ્કેલ બન્યુ હતુ. અમેરિકા અને ઇરાન બંને દેશો પોત પોતાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે તે જ હોર્મુઝને લઇને મોટાં સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝમાં ઇરાન હવે પોતાનો રોફ જમાવવાની તૈયારીમાં છે. ઇરાન આ દરિયાઇ માર્ગ પર એક નવો ટોલ પ્લાઝા શરૂ કરવા જઇ રહ્યુ છે. જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય શિપિંગ અને વૈશ્વિક વેપાર પર પડી શકે છે.
માત્ર ડોલર જ નહીં અન્ય પણ ચલણ માન્ય રહેશે
ઈરાની રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવિત યોજના હેઠળ ઈરાન એવા જહાજો પાસેથી ફી વસૂલશે જે નેવિગેશન, પર્યાવરણીય સુરક્ષા, વીમા અને અન્ય જરૂરી મેરીટાઇમ સેવાઓનો ઉપયોગ કરે છે. ખાસ સંજોગોમાં બળતણ અને બીજી સહાયક સેવાઓ માટે પણ ચાર્જ વસૂલવામાં આવી શકે છે. સૌથી મોટું અને આશ્ચર્યજનક પાસું એ છે કે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ ફીની ચુકવણી માત્ર યુએસ ડોલરમાં જ નહીં, પરંતુ ઈરાની રિયાલ અથવા તેહરાન દ્વારા મંજૂર કરાયેલા કોઈપણ અન્ય ચલણમાં કરી શકાશે. આ પગલાને વૈશ્વિક બજારમાં ડોલરના વર્ચસ્વ સામે એક સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.
યોજના પાછળનું મુખ્ય કારણ ઇરાનની આર્થિક સ્થિતિ
આ યોજના પાછળનું મુખ્ય કારણ ઈરાનની આર્થિક સ્થિતિ હોવાનું મનાઈ રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા કઠોર આર્થિક પ્રતિબંધોના કારણે ઈરાનની રોકડની તંગી સતત વધી રહી છે, અને તેનો સ્થાનિક ચલણ 'રિયાલ' પણ અત્યંત નીચા સ્તરે પહોંચી ગયો છે. દેશની આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે સરકાર નવા રાજસ્વ સ્ત્રોતો શોધી રહી છે.
હોર્મુઝ પર ટોલ લાદવાનો કોઇનો હક નહીં
જોકે, આંતરરાષ્ટ્રીય કાયદાકીય દૃષ્ટિએ આ માર્ગ અત્યંત જટિલ છે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) મુજબ, કોઈપણ દેશ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી થતી જહાજોની સામાન્ય અવરજવરને રોકી કે અવરોધિત કરી શકતો નથી અને સામાન્ય સંજોગોમાં ટોલ પણ લગાવી શકાતો નથી. પરંતુ, ઈરાન આ કન્વેન્શનની છટકબારીઓનો ઉપયોગ કરીને પ્રદાન કરવામાં આવતી ચોક્કસ સુરક્ષા અને નેવિગેશન સેવાઓના નામે ફી વસૂલવાના કાયદાકીય દાંવપેચ રમી રહ્યું છે.
આ યોજના બાદ તણાવ વધુ વકરવાની શક્યતા
આ પ્રસ્તાવને કારણે પ્રાદેશિક તણાવ વધુ વકરે તેવી પૂરી શક્યતા છે. ખાડી દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ ઈરાનને આ પ્રકારની વધારાની ચુકવણી કરવા માટે તૈયાર થાય તેવી સંભાવના નહિવત્ છે. નિષ્ણાતોના મતે, આ પગલાથી મધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય તણાવ અનેકગણો વધી શકે છે તેમજ વૈશ્વિક વેપાર માટે નવા જોખમો ઊભા થઈ શકે છે.
આ પણ વાંચોઃ US માં નોકરી કરવાનું સપનું જોનારાને લાગશે ઝટકો, H-1B વિઝા ફીમાં કરાશે અધધધ વધારો