યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન સેવતા ભારતીય IT વ્યાવસાયિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર નવા H-1B વર્કર વિઝા પર અધધ... $103,265 (લગભગ 85 લાખ રૂપિયાથી વધુ) ફી કાયમી બનાવવા માટે ગંભીરતાથી તૈયારી કરી રહ્યું છે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી જશે, તો નવા વિઝા મેળવવાનો ખર્ચ અનેકગણો વધી જશે, જે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશો માંથી યુએસ જતા કુશળ વ્યાવસાયિકોની કારકિર્દી અને અમેરિકન કંપનીઓની ભરતી પ્રક્રિયા પર ભારે વિપરીત અસર કરશે.

H-1B વર્કર વિઝા પર કરાશે અધધધ વધારો...

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા આ દરખાસ્ત ફેડરલ રજિસ્ટરમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવી છે. વહીવટીતંત્ર આ વર્ષના અંત સુધીમાં આ નિયમને કાયમી સ્વરૂપ આપવા માટે કટિબદ્ધ છે. અગાઉ પણ ગયા વર્ષે ટ્રમ્પ સરકારે અસ્થાયી રૂપે આવી જ ફી લાદી હતી, પરંતુ જૂન મહિનામાં એક ફેડરલ ન્યાયાધીશે તેને ગેરકાયદેસર જાહેર કરી વસૂલાત પર રોક લગાવી દીધી હતી. હાલમાં આ મામલો અપીલ કોર્ટમાં પેન્ડિંગ છે છતાં વહીવટીતંત્ર નવા કાયદાકીય માર્ગો દ્વારા તેને લાગુ કરવા પ્રયાસરત છે.

H-1B વિઝા શું છે અને તેનો વ્યાપ કેટલો છે?

H-1B એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને ટેક્નોલોજી, શિક્ષણ અને સંશોધન જેવા વિશેષ ક્ષેત્રોમાં વિદેશી કુશળ કામદારોને રાખવાની મંજૂરી આપે છે. સામાન્ય રીતે દર વર્ષે 65,000 પ્રમાણભૂત વિઝા અને એડવાન્સ ડિગ્રી ધારકો માટે વધારાના 20,000 વિઝા આપવામાં આવે છે. અગાઉ આ વિઝા મેળવવાની ફી માત્ર $2,000 થી $5,000 ની વચ્ચે હતી, જે હવે વધીને $103,265 થવાની સંભાવના છે.

કોને રાહત મળશે અને કોની મુશ્કેલી વધશે?

આ પ્રસ્તાવિત ફી તમામ અરજદારોને લાગુ નહીં પડે. જે વિદેશી નાગરિકો પહેલેથી જ વિદ્યાર્થી વિઝા પર અમેરિકામાં રહે છે અને ત્યાંથી નવા H-1B વિઝા માટે અરજી કરે છે તેમને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. ઉપરાંત, હાલના H-1B વિઝા ધારકોના રિન્યુઅલ પર પણ આ નિયમની કોઈ અસર થશે નહીં.

પરંતુ વિદેશથી (ખાસ કરીને ભારતમાંથી) સીધા નવા ઉચ્ચ-કુશળ IT વ્યાવસાયિકોને નોકરી પર રાખવા માંગતી યુએસ કંપનીઓ માટે આ ખર્ચ અસહ્ય બની જશે. જો આ નિયમ કાયમી રૂપ ધારણ કરશે, તો ભારતીય IT ટેલેન્ટ માટે અમેરિકન માર્કેટમાં પ્રવેશ મેળવવો અત્યંત પડકારજનક સાબિત થશે.

આ પણ વાંચોઃ Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી શકે, BRICS સમિટમાં લેશે ભાગ