કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની લેખિત ફરિયાદના આધારે 31 જુલાઈ, 2026ના રોજ રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL), કંપનીના પૂર્વ ચેરમેન અનિલ ડી. અંબાણી, અજાણ્યા સરકારી અધિકારીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગેરવર્તન જેવા કૃત્યો દ્વારા EPFOને ₹1,007.55 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઉપરાંત, વ્યાજની જવાબદારી સહિત કુલ નુકસાન ₹1,816.22 કરોડ સુધી પહોંચ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

https://twitter.com/ANI/status/2083484135973363915

રોકાણની રકમનો અન્યત્ર ઉપયોગ કર્યો 

ફરિયાદ અનુસાર વર્ષ 2013 અને 2014 દરમિયાન રિલાયન્સ કેપિટલ લિમિટેડે સુરક્ષિત નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જાહેર કર્યા હતા. આ NCDમાં EPFOએ ચાર પોર્ટફોલિયો મેનેજરો મારફતે કુલ ₹2,500 કરોડનું રોકાણ કર્યું હતું, જેમાં રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ ડિબેન્ચર્સની મુદત વર્ષ 2023 અને 2024 દરમિયાન પૂર્ણ થવાની હતી. CBI અનુસાર, આરોપીઓએ કથિત રીતે છેતરપિંડીપૂર્ણ નાણાકીય વ્યવહારો કર્યા અને રોકાણની રકમનો અન્યત્ર ઉપયોગ (ફંડ ડાયવર્ઝન) કર્યો હતો. તેના પરિણામે રિલાયન્સ કેપિટલ સમયસર NCDની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી અને EPFOને ભારે નાણાકીય નુકસાન થયું હોવાનો આક્ષેપ છે.

FIR નોંધાવવી એ પ્રાથમિક તપાસનો ભાગ

CBIએ મામલાની સત્તાવાર તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ તેમજ ખાનગી વ્યક્તિઓની ભૂમિકા, કથિત ગુનાહિત ષડયંત્રની હકીકત અને રોકાણ કરાયેલી રકમનો અંતિમ ઉપયોગ ક્યાં થયો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. એજન્સી તમામ સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ચકાસણી કરીને જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરશે. નોંધનીય છે કે FIR નોંધાવવી એ પ્રાથમિક તપાસનો ભાગ છે અને આક્ષેપોની સત્યતા અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ થશે.

આ પણ વાંચો : GST Collection : જુલાઈમાં GST કલેક્શનમાં ઉછાળો, સરકારને થઈ 2.11 લાખ કરોડની આવક