ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન જુલાઈ મહિનામાં દેશની ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સરકારી આંકડા મુજબ જુલાઈ 2026માં કુલ ગ્રોસ GST વસૂલાત 15.4 ટકા વધીને ₹2,11,205 કરોડ સુધી પહોંચી છે. આ સાથે વર્તમાન નાણાકીય વર્ષમાં બીજી વખત માસિક GST વસૂલાત ₹2 લાખ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. અગાઉ એપ્રિલ 2026માં રેકોર્ડ ₹2.43 લાખ કરોડની વસૂલાત થઈ હતી.
https://twitter.com/ANI/status/2083437468129595576
GST આવકમાં પણ 10.1 ટકાનો વધારો થયો
ગત વર્ષે જુલાઈ મહિનામાં ગ્રોસ GST વસૂલાત ₹1.83 લાખ કરોડ હતી, જ્યારે જૂન 2026માં તે આશરે ₹1.95 લાખ કરોડ રહી હતી. સરકારના જણાવ્યા મુજબ આયાત અને સ્થાનિક વ્યવહારોમાંથી વધેલા કરસંગ્રહના કારણે કુલ GST આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈ દરમિયાન આયાત સંબંધિત GST વસૂલાતમાં 28.8 ટકાનો વધારો નોંધાઈ ₹66,511 કરોડ સુધી પહોંચી હતી. બીજી તરફ, સ્થાનિક વ્યવહારોમાંથી મળતી GST આવકમાં પણ 10.1 ટકાનો વધારો થયો અને તે આશરે ₹1.45 લાખ કરોડ સુધી પહોંચી હતી, જે દેશમાં વધતી આર્થિક પ્રવૃત્તિ અને વેપારને દર્શાવે છે.
વિત્ત મંત્રાલયના આંકડા અનુસાર, જુલાઈ મહિનાની કુલ GST વસૂલાતમાં કેન્દ્રીય GST (CGST) તરીકે ₹39,835 કરોડ, રાજ્ય GST (SGST) તરીકે ₹47,881 કરોડ અને ઈન્ટિગ્રેટેડ GST (IGST) તરીકે ₹1.23 લાખ કરોડથી વધુની આવક નોંધાઈ હતી.
ટેક્સ વ્યવસ્થામાં સુધારાનું સકારાત્મક પ્રતિબિંબ
આ ઉપરાંત, જુલાઈ દરમિયાન ટેકસપેયર્સને આપવામાં આવેલા GST રિફંડમાં પણ વધારો થયો છે. કુલ રિફંડની રકમ 13.1 ટકા વધીને ₹29,968 કરોડ સુધી પહોંચી હતી. રિફંડની રકમ બાદ કરતાં સરકારની ચોખ્ખી GST આવક ₹1.81 લાખ કરોડથી વધુ રહી હતી. નિષ્ણાતોના મતે સતત વધતી GST વસૂલાત દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત માગ, વ્યાપારિક પ્રવૃત્તિઓમાં વધારો અને ટેક્સ વ્યવસ્થામાં સુધારાનું સકારાત્મક પ્રતિબિંબ છે.
આ પણ વાંચો : Crude Oil Exploration : શું છે સમુદ્ર મંથન? તેલ અને ગેસની શોધ માટે ભારત કેમ ખર્ચી રહ્યું છે 84,084 કરોડ?