EDએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસોમાં આશરે ₹510 કરોડની સંપત્તિ અટેચ કરી છે. આ સંપત્તિમાં બે ચાર્ટર્ડ વિમાન, મહારાષ્ટ્રમાં જમીનના 6 પ્લોટ, ઓફિસ, તમિલનાડુની બે પવનચક્કીઓ, બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રોકાણનો સમાવેશ થાય છે. EDની આ નવી કાર્યવાહી બાદ અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલા વિવિધ કેસોમાં અત્યાર સુધી અટેચ અથવા જપ્ત કરાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય આશરે ₹23,100 કરોડ થયું છે.

બે અલગ કેસમાં ₹510 કરોડની સંપત્તિ અટેચ

EDના જણાવ્યા પ્રમાણે, નવી કાર્યવાહી બે અલગ-અલગ બેંક ફ્રોડ કેસ સાથે જોડાયેલી છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) સાથે જોડાયેલા કેસમાં ₹263.05 કરોડની સંપત્તિ અટેચ કરવામાં આવી છે. જ્યારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) સાથે જોડાયેલા કેસમાં ₹247.12 કરોડની સંપત્તિ પર કાર્યવાહી કરવામાં આવી છે. RCOM કેસમાં અટેચ કરાયેલી સંપત્તિમાં બે ચાર્ટર્ડ વિમાનનો સમાવેશ થાય છે. આ વિમાનોમાં ડસોલ્ટ ફાલ્કન 2000 અને એમ્બ્રેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જમીનના 6 પ્લોટ અને એક ઓફિસ પરિસર પણ અટેચ કરાયું છે. બીજી તરફ RHFL અને RCFL કેસમાં તમિલનાડુની બે પવનચક્કીઓ, બેંકમાં જમા રકમ, ફિક્સ્ડ ડિપોઝિટ, રોકાણ અને અન્ય લેણાં સંબંધિત સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

EDના ગંભીર આરોપ, 10 લોકોની ધરપકડ

EDએ પોતાની તપાસના આધારે આરોપ લગાવ્યો છે કે અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવેલા જાહેર નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી. એજન્સીના દાવા પ્રમાણે, કંપનીઓએ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના કાયદાનો દુરુપયોગ કરીને કોર્પોરેટ સંપત્તિઓને વ્યક્તિગત ઉપયોગ માટે અલગ રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત નાણાં ભારતમાંથી વિદેશી ટેક્સ હેવન સુધી પહોંચાડવાના પણ આરોપ છે. EDના જણાવ્યા પ્રમાણે, આ કેસોમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ 6 પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ પણ એક ફરિયાદ દાખલ કરાઈ છે.

કઈ કંપનીઓ તપાસના ઘેરામાં?

EDની તપાસમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ તપાસ CBI, દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ અને મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા નોંધાયેલી અનેક FIRના આધારે શરૂ કરવામાં આવી હતી.

એજન્સીએ જણાવ્યું છે કે આ કેસોમાં તપાસ હજુ ચાલુ છે. તાજેતરની કાર્યવાહીથી અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલી સંપત્તિઓ પર તપાસ એજન્સીઓની કાર્યવાહી વધુ તેજ બની છે.

આ પણ વાંચો: Gujarat Exports: FTA નેટવર્કથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ફાયદો? ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે નવી તક!