ભારતમાં વધતા જતા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર એક આધુનિક અને ક્રાંતિકારી ટેક્નોલોજી લાવવાની તૈયારીમાં છે. આ ટેક્નોલોજીનું નામ છે વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V), જેમાં વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરશે અને અકસ્માત થવાના પહેલાં જ ડ્રાઈવર ને ચેતવણી મળશે.


V2V ટેક્નોલોજી કેવી રીતે કામ કરશે?

V2V ટેક્નોલોજી હેઠળ દરેક વાહનમાં સિમ કાર્ડ જેવા નાના ડિવાઈસની સ્થાપના કરવામાં આવશે. આ ડિવાઈસ આસપાસના વાહનો સાથે સતત સિગ્નલ આપ-લે કરશે. જો કોઈ વાહન બહુ નજીક આવે અથવા અથડામણની શક્યતા સર્જાય, તો સિસ્ટમ તરત જ ડ્રાઈવરને એલર્ટ આપશે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ માટે ઇન્ટરનેટ કે મોબાઈલ નેટવર્કની જરૂર નહીં પડે.

અકસ્માત અટકાવવામાં કેવી રીતે થશે મદદરૂપ?

આ ટેક્નોલોજી ખાસ કરીને નીચેની પરિસ્થિતિઓમાં બહુ ઉપયોગી સાબિત થશે; રસ્તા કિનારે ઉભેલા વાહનો સાથે પાછળથી થનારા અકસ્માતોમાં ઘટાડો, ધુમ્મસ કે ઓછી દૃશ્યતા દરમિયાન આગળના વાહનની જાણ, હાઈસ્પીડ ટ્રાફિકમાં અચાનક બ્રેક કે અંતર ઓછું થવા પર સમયસર ચેતવણી. આ રીતે ડ્રાઈવરને પહેલા જ ખતરની જાણ થવાથી સમયસર પગલાં લઈ શકાય અને ગંભીર અકસ્માતો ટાળી શકાય.

નિતિન ગડકરીનું નિવેદન

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર આ ટેક્નોલોજી જલ્દીથી અમલમાં લાવવા માંગે છે. તેમણે કહ્યું કે ધુમ્મસ અને રસ્તા પર ઉભેલા વાહનો મોટા અકસ્માતોનું મુખ્ય કારણ બને છે, અને V2V ટેક્નોલોજી આવા સંજોગોમાં ડ્રાઈવરને પહેલાથી સચેત કરશે. સાથે જ બસોમાં પણ નવા સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવશે.

ક્યારે લાગુ થશે V2V ટેક્નોલોજી?

પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ટેક્નોલોજી 2026ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. શરૂઆતમાં નવી ગાડીઓમાં તેને લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય વાહનોમાં પણ ફિટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે સરકાર અંદાજે ₹5,000 કરોડનો ખર્ચ કરશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: