કાળો ધુમાડો નીકળવાના ઘણા કારણો હોઈ શકે છે. આ ધુમાડો મુખ્યત્વે ત્યારે નીકળે છે જ્યારે ઇંધણ સંપૂર્ણપણે બળી શકતું નથી (Unburnt Fuel). જો તમારી કારમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હોય, તો તાત્કાલિક મિકેનિક અથવા કંપનીના ઑથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર પર જઈને કારની તપાસ કરાવો. નાની સમસ્યા ક્યારે મોટી ખામીમાં ફેરવાઈ જશે, તે ખબર પણ નહીં પડે. તેના કેટલાક કારણો જાણીએ.


ગંદુ એર ફિલ્ટર

એર ફિલ્ટરમાં ધૂળ-માટી જમા થવાથી એન્જિનને પૂરતી હવા મળતી નથી. હવાના અભાવે એન્જિન વધુ ઇંધણનો વપરાશ કરે છે. આ ઇંધણ સંપૂર્ણપણે ન બળી શકવાને કારણે કાળા ધુમાડા તરીકે બહાર નીકળે છે.

ખરાબ ફ્યુલ ઇન્જેક્ટર

જો કારમાં લાગેલા ફ્યુલ ઇન્જેક્ટર લીક થવા લાગે અથવા યોગ્ય રીતે કામ ન કરે, તો એન્જિનમાં ઇંધણનું પ્રમાણ વધી જાય છે. વધુ ઇંધણનો પુરવઠો થવાથી તે બરાબર બળી શકતું નથી અને કાળા ધુમાડાના રૂપમાં બહાર નીકળે છે.

એન્જિનમાં કાર્બનનું જમાવ થવું

સમય જતાં એન્જિનના ભાગોમાં કાર્બન જમા થવા લાગે છે, જે ઇંધણના દહનની પ્રક્રિયાને બગાડે છે અને કાળા ધુમાડાનું સર્જન કરે છે.

કારને થઈ શકે તેવા નુકસાન 

જો કાળા ધુમાડાની આ સમસ્યાને સમયસર દૂર કરવામાં ન આવે, તો તે તમારા વાહનને નીચે મુજબના ગંભીર નુકસાન પહોંચાડી શકે છે:

માઇલેજમાં ઘટાડો

કાળો ધુમાડો એ દર્શાવે છે કે એન્જિન વધારે ઇંધણનો વપરાશ કરી રહ્યું છે. પરિણામે, કારના માઇલેજમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે, એટલે કે કાર વધુ પેટ્રોલ/ડીઝલ વાપરવા લાગશે.

કૅટેલિટિક કન્વર્ટર ખરાબ થવું

અધૂરા બળેલા ઇંધણના કણો કૅટેલિટિક કન્વર્ટર (Catalytic Converter)માં જમા થઈ શકે છે, જેના કારણે આ મહત્ત્વનો ભાગ ખરાબ થઈ શકે છે અથવા ચોકઅપ થઈ શકે છે.

એન્જિન સીઝ થવાનો ખતરો

સતત ઇંધણનો અયોગ્ય વપરાશ અને વધુ પડતો કાર્બન જમા થવાથી એન્જિન પર તાણ આવે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યા ચાલુ રહે, તો એન્જિનને ગંભીર નુકસાન થઈ શકે છે અને એન્જિન સીઝ થવાનો ખતરો વધી જાય છે, જેમાં મોટો ખર્ચ થઈ શકે છે.


  • Follow us on: