ભારતમાં વર્ષ 2027 થી અમલી બનનારા નવા વાહન ઉત્સર્જન ધોરણો CAFE 3 (કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી) ને કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં મોટી ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને નાની કારોને વજન અને ઇંધણ ક્ષમતાના આધારે છૂટછાટ આપવા બાબતે દેશની બે દિગ્ગજ કંપનીઓ, મારૂતિ સુઝુકી અને ટાટા મોટર્સ સામસામે આવી ગઈ છે. જો સરકાર આ છૂટછાટ મંજૂર કરે છે, તો આગામી સમયમાં નાની કારોના ભાવ ઘટી શકે છે.


શું છે CAFE 3 નિયમો?

CAFE 3 નિયમોનો મુખ્ય હેતુ વાહનો દ્વારા થતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો કરી ઇંધણ કાર્યક્ષમતા વધારવાનો છે. આ નિયમો હેઠળ દરેક કંપનીએ તેના વાહનોના સરેરાશ ઉત્સર્જનને નિર્ધારિત મર્યાદામાં રાખવું પડશે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના ડ્રાફ્ટ મુજબ, 4 મીટરથી નાની અને 909 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી કારને ઉત્સર્જન ગણતરીમાં 3 ગ્રામની છૂટ આપવાની દરખાસ્ત છે.

કંપનીઓ વચ્ચે મતભેદ

મારૂતિ સુઝુકી: કંપનીનું માનવું છે કે નાની કારો મોટી કારો કરતા વધુ માઈલેજ આપે છે અને ઓછું પ્રદૂષણ કરે છે, તેથી તેમને વજનના આધારે રાહત મળવી જોઈએ. આનાથી મધ્યમ વર્ગ અને પ્રથમ વખત કાર ખરીદનારાઓને આર્થિક ફાયદો થશે. ટાટા મોટર્સ: ટાટા મોટર્સ આ છૂટનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે કોઈ ચોક્કસ સેગમેન્ટને છૂટ આપવી તે યોગ્ય નથી. વજનના આધારે છૂટ આપવાથી કારની મજબૂતી અને સુરક્ષા (Safety) સાથે બાંધછોડ થવાની શક્યતા રહેલી છે.

વૈશ્વિક નિયમોનો અભ્યાસ

ભારત સરકાર હાલમાં ચીન, જાપાન, યુરોપિયન યુનિયન અને અમેરિકા જેવા દેશોના CAFE નિયમોનો અભ્યાસ કરી રહી છે. ચીનમાં 1090 કિગ્રા અને યુરોપમાં 1115 કિગ્રાથી ઓછું વજન ધરાવતી કારોને વિશેષ રાહત મળે છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ આ તમામ ડેટા સરકારને સોંપ્યો છે. જો સરકાર વૈશ્વિક ધોરણોને અનુસરીને નાની કારોને પ્રોત્સાહન આપશે, તો કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ ગ્રાહકોને સસ્તી કારના રૂપમાં મળી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: