બજાજ ગ્રુપની હાઉસિંગ ફાઈનાન્સ કંપની બજાજ હાઉસિંગ ફાઈનાન્સે જૂન ત્રિમાસિકના મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 22.6 ટકા વધીને ₹715 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીનો નફો ₹583 કરોડ હતો. સારા બિઝનેસ ગ્રોથ અને લોન માટેના ઓછા પ્રોવિઝનના કારણે કંપનીના નફામાં વધારો નોંધાયો છે.
કંપનીની આવક પણ 17.2 ટકા વધી
જૂન ત્રિમાસિકમાં કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) 9 ટકા વધીને ₹968 કરોડ થઈ છે. ગયા વર્ષે આ આંકડો ₹887 કરોડ હતો. જ્યારે નેટ ટોટલ ઈન્કમ 16 ટકા વધીને ₹1,175 કરોડ રહી છે, જે અગાઉના વર્ષે ₹1,009 કરોડ હતી. કંપનીની આવક પણ 17.2 ટકા વધીને ₹3,063 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹2,613 કરોડ હતી. કંપનીના એશેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM)માં પણ નોંધપાત્ર વધારો થયો છે. 30 જૂન 2026 સુધીમાં AUM 24 ટકા વધીને ₹1,49,624 કરોડ પર પહોંચી ગયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં AUM ₹1,20,420 કરોડ હતું.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સની એસેટ ક્વોલિટી મજબૂત
કંપનીની ઓપરેટિંગ કાર્યક્ષમતામાં પણ સુધારો જોવા મળ્યો છે. ઓપરેટિંગ ખર્ચ અને નેટ ટોટલ ઈન્કમનો ગુણોત્તર ઘટીને 19.6 ટકા રહ્યો છે, જે ગયા વર્ષે 21.2 ટકા હતો. લોન લોસ અને પ્રોવિઝન પણ ઘટીને ₹16 કરોડ રહ્યા છે, જ્યારે ગયા વર્ષે તે ₹38 કરોડ હતા. બજાજ હાઉસિંગ ફાઈનાન્સની એસેટ ક્વોલિટી મજબૂત રહી છે. 30 જૂન 2026 સુધી ગ્રોસ NPA 0.29 ટકા અને નેટ NPA 0.12 ટકા નોંધાયું છે. સ્ટેજ-3 એસેટ્સ માટે પ્રોવિઝન કવરેજ રેશિયો 59 ટકા રહ્યો છે. કંપનીનો કેપિટલ એડિક્વેસી રેશિયો 21.59 ટકા રહ્યો છે, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.
72.94 હજાર કરોડનું છે માર્કેટકેપ
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સની સબ્સિડિયરી છે અને હાઉસિંગ લોન ક્ષેત્રે કાર્યરત નોન-ડિપોઝિટ ટેકિંગ હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. કંપનીના શેર સપ્ટેમ્બર 2024થી NSE અને BSE પર લિસ્ટેડ છે. પરિણામો જાહેર થયા પહેલા કંપનીનો શેર 2.6 ટકા વધીને ₹87.89 પર બંધ થયો હતો. જોકે છેલ્લા એક વર્ષમાં શેરમાં 24.18 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ₹72.94 હજાર કરોડ છે.
આ પણ વાંચો : Vedanta Oil&Gas Q1 Results : ડિમર્જર બાદ કંપનીના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર, 945 કરોડનો થયો નફો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.