ભારતની UPI હવે તેની પહોંચ અમેરિકા સુધી વિસ્તારવાની તૈયારી કરી રહી છે. આ માટે બેંક ઓફ અમેરિકા (Bank of America) અમેરિકાની પેમેન્ટ સિસ્ટમ 'ઝેલે' (Zelle) ને ભારતની UPI સાથે જોડવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાથી ભારત નાણાં મોકલવાની પ્રક્રિયાને પહેલા કરતા વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ત્યાં કામ કરતા વ્યાવસાયિકોને આ પહેલથી ઘણો ફાયદો થશે. અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટ હાલમાં પાયલોટ તબક્કામાં છે અને 2026ના અંત પહેલા તેનું પ્રારંભિક અમલીકરણ થવાની અપેક્ષા છે. જો આ સફળ થશે તો આ સિસ્ટમ અમેરિકાથી ભારત નાણાં મોકલવાની પ્રક્રિયાને સરળ બનાવશે.
અમેરિકાથી ભારત તરફ અબજો ડોલરનો પ્રવાહ
અમેરિકા ભારત માટે રેમિટન્સ (વિદેશમાંથી મોકલવામાં આવતા નાણાં)ના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતને અંદાજે 135.46 અબજ ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, જેમાંથી લગભગ 37 અબજ ડોલર અમેરિકાથી આવ્યા હતા. પરિણામે, UPI અને Zelle ને જોડવાની પહેલ બંને દેશો વચ્ચેના નાણાકીય વ્યવહારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Zelle-UPI બ્રિજ કેવી રીતે કામ કરશે?
Zelle-UPI બ્રિજનું નિર્માણ Zelle નેટવર્કના સંચાલક 'અર્લી વોર્નિંગ સર્વિસીસ' (Early Warning Services) ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. Zelle એ અમેરિકામાં વપરાતું ડિજિટલ પેમેન્ટ નેટવર્ક છે, જ્યારે UPI એ ભારતની મુખ્ય રીઅલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે.
આ બ્રિજનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદ પારના વ્યવહારો (cross-border payments) ને સરળ બનાવવા માટે બંને પેમેન્ટ નેટવર્કને એકબીજા સાથે જોડવાનો છે. જો કે, તેનો અર્થ એ નથી કે ભારતીય UPI એપ્સ અમેરિકામાં પણ બરાબર તે જ રીતે કામ કરશે જેમ તે ભારતમાં કરે છે.
આ પણ વાંચો: BRICS Summit 2026 Delhi: BRICSની સૌથી દમદાર તસવીર.. જુઓ 3 દેશની મહાશક્તિ એકસાથે