કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ૮મા પગાર પંચ અંગેના સમાચાર ચર્ચાના કેન્દ્રમાં છે. ભારતીય પ્રતિરક્ષા મઝદૂર સંઘ (BPMS) એ તાજેતરમાં ૮મા પગાર પંચને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ક્રાંતિકારી ફેરફારો કરવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે, તો સરકારી કર્મચારીઓના આર્થિક સ્તરમાં મોટો ઉછાળો આવી શકે છે.
પગારમાં ચાર ગણો વધારો કરવાની માંગ
BPMS દ્વારા રજૂ કરવામાં આવેલી સૌથી મોટી માંગ એ છે કે એન્ટ્રી-લેવલ (લેવલ-1) ના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર હાલના ₹૧૮,૦૦૦ થી વધારીને સીધો ₹72,000 કરવામાં આવે. આ માંગણી હાલના પગાર કરતા ચાર ગણી વધુ છે. તેવી જ રીતે, મહત્તમ મૂળ પગાર ₹2,50,000 થી વધારીને ₹10,00,000 (10 લાખ) પ્રતિ માસ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
₹72000 ની ગણતરી પાછળનું તર્ક
આ આંકડા સુધી પહોંચવા માટે BPMS એ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના માથાદીઠ આવકના ડેટાનો ઉપયોગ કર્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, ૨૦૧૬ થી ૨૦૨૫ વચ્ચે ભારતની માથાદીઠ આવકમાં આશરે86.76 % નો વધારો થયો છે. વધુમાં, પહેલા પગાર નક્કી કરવા માટે ૩ સભ્યોના કુટુંબ એકમને આધાર માનવામાં આવતો હતો, જેને હવે વધારીને ૫ એકમ કરવાની માંગ કરાઈ છે. વૈજ્ઞાનિક ગણતરી મુજબ આ રકમ ₹88,524 થાય છે, પરંતુ સરકારી બજેટ અને નાણાકીય ખાધને ધ્યાનમાં રાખીને ₹72,000 નો સંતુલિત આંકડો સૂચવવામાં આવ્યો છે.
ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય માંગણીઓ
સંગઠને 4.0 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, હાલમાં જે વાર્ષિક ૩% પગાર વધારો (Increment) મળે છે, તેને વધારીને ૩% થી ૬% ની વચ્ચે રાખવા વિનંતી કરવામાં આવી છે. આ ફેરફારો પાછળનો મુખ્ય હેતુ કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો લાવવો અને મોંઘવારી સામે રક્ષણ આપવાનો છે.
નવું સૂચિત પગાર માળખું
BPMS એ વિવિધ સ્તરો માટે નવું માળખું સૂચવ્યું છે, જે નીચે મુજબ હોઈ શકે છે:
લેવલ 1: ₹72,000
લેવલ 6 (ગ્રેડ પે 4200): ₹1,41,600
લેવલ 10: ₹2,24,400
લેવલ 18 (સર્વોચ્ચ): ₹10,00,000
આ પણ વાંચોઃ Strait of hormuz ની જેમ હવે મલક્કામાં પણ ટોલ ટેક્સની તૈયારીઓ, ભારત પર કેવી પડશે અસર?