વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો પૈકીના એક એવા 'મલક્કાની સામુદ્રધુની' (Strait of Malacca) પર હવે ટેક્સ લાદવાની હિલચાલ તેજ થઈ છે. ઇન્ડોનેશિયાએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ અને ખાસ કરીને ભારત જેવા દેશો માટે ચિંતા જગાવી છે.

શું છે ઇન્ડોનેશિયાનો પ્રસ્તાવ?

ઇન્ડોનેશિયાના નાણામંત્રી પૂર્વાયા યુધિ સદેવાએ સંકેત આપ્યો છે કે મલક્કાની સામુદ્રધુનીમાંથી હજારો જહાજો પસાર થાય છે, પરંતુ દેશને તેમાંથી કોઈ આર્થિક લાભ મળતો નથી. ઇન્ડોનેશિયા પોતાને વૈશ્વિક વેપારમાં એક શક્તિશાળી ખેલાડી તરીકે સ્થાપિત કરવા માંગે છે અને તે માટે અહીં 'ટોલ બૂથ' બનાવવાની વિચારણા ચાલી રહી છે. આ માર્ગ ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર વચ્ચે સ્થિત છે અને તે હિંદ મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે જોડતી મહત્વની કડી છે.

સિંગાપોરનો આકરો વિરોધ

સિંગાપોરે ઇન્ડોનેશિયાના આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણને સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આ દરિયાઈ માર્ગ મુક્ત અને અવરોધરહિત હોવો જોઈએ. સિંગાપોરનું માનવું છે કે કોઈપણ પ્રકારનો ટેક્સ વસૂલવો એ મુક્ત વેપારના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ યોજના હાલ પ્રારંભિક તબક્કામાં છે, કારણ કે તેને અમલમાં મૂકવા માટે મલેશિયા અને અન્ય હિતધારક દેશોની સંમતિ અનિવાર્ય છે.

ભારત પર થનારી અસરો

ભારત માટે મલક્કાની સામુદ્રધુની એ જીવનરેખા સમાન છે. ભારતનો કુલ દરિયાઈ વેપારનો લગભગ 55% થી 60% ભાગ આ માર્ગ પરથી પસાર થાય છે. જો અહીં ટોલ ટેક્સ લાગુ થાય, તો ભારત માટે LNG (ગેસ), કોલસો, ઈલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ કાચો માલ (API) મોંઘો થશે. આનાથી દેશમાં ફુગાવો વધી શકે છે. ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ આ માર્ગની એકદમ નજીક છે. ભારત આ માર્ગ દ્વારા આસિયાન (ASEAN) અને પૂર્વ એશિયાઈ દેશો સાથે જોડાયેલું છે. જો આ માર્ગ પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ આવે તો ભારતની ઊર્જા સુરક્ષા અને નિકાસ ક્ષમતા પર ગંભીર અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ NATO માં મોટું ભંગાણ? સ્પેનને સંગઠનમાંથી બહાર કરવાની માંગ, પેન્ટાગોનના ગુપ્ત લીક ઇમેલથી ખળભળાટ