ઈરાન સંઘર્ષ બાદ વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ (પેન્ટાગોન) નો એક અત્યંત ગુપ્ત ઈમેલ લીક થતા નાટો (NATO) દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ ઈમેલમાં સ્પેનને નાટોમાંથી હાંકી કાઢવાની આકરી માંગ કરવામાં આવી છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકા હવે પોતાના સાથી દેશોની વફાદારીની કડક સમીક્ષા કરી રહ્યું છે.

સ્પેન પર કેમ ભરાયું છે અમેરિકા?

આ વિવાદનું મુખ્ય કારણ ઈરાન સાથેનું યુદ્ધ છે. યુદ્ધ દરમિયાન સ્પેને માત્ર અમેરિકાને સમર્થન આપવાનો ઇનકાર જ નહોતો કર્યો, પરંતુ ખુલ્લેઆમ ઈરાનનો પક્ષ લીધો હતો. સ્પેને અમેરિકા વિરુદ્ધ નિવેદનબાજી કરવાની સાથે પોતાના હવાઈ ક્ષેત્રનો (Airspace) ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પેન્ટાગોનનું માનવું છે કે જે દેશો કટોકટીના સમયે અમેરિકાની વિરુદ્ધ ઊભા રહે, તેમને નાટો જેવા સુરક્ષા સંગઠનમાં રાખવા યોગ્ય નથી.

બ્રિટન અને તુર્કી માટે પણ જોખમ

લીક થયેલા ઈમેલમાં માત્ર સ્પેન જ નહીં, પરંતુ બ્રિટન અને તુર્કીને પણ 'નબળી કડી' ગણાવવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરિકા હવે ફોકલેન્ડ ટાપુઓ પર બ્રિટનના દાવા અંગેના પોતાના રાજદ્વારી સમર્થનનું પણ પુનર્મૂલ્યાંકન કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે અમેરિકા હવે બ્રિટનના આર્જેન્ટિના નજીકના વિસ્તારો પરના આધિપત્યને પડકારી શકે છે, જે બ્રિટન માટે મોટો આંચકો છે.

'સારા' અને 'ખરાબ' દેશોની યાદી

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોના નેતૃત્વમાં એક નવી રણનીતિ ઘડવામાં આવી છે, જેમાં નાટો દેશોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.પોલેન્ડ, જર્મની, બાલ્ટિક દેશો (એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા), ચેક રિપબ્લિક અને અલ્બેનિયા. આ એવા દેશો છે જે સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરે છે અને અમેરિકાને વફાદાર રહ્યા છે. સ્પેન, તુર્કી અને યુકે, જેમના પર અમેરિકા હવે વિશ્વાસ કરવા તૈયાર નથી.
તેઓ તરફ વધતો જતો અવિશ્વાસ
જોકે, અમેરિકાની આ યાદી સામે વિરોધ પણ શરૂ થયો છે. પોલેન્ડના સંરક્ષણ પ્રધાને ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યો છે કે શું ખરેખર મુશ્કેલ સમયમાં અમેરિકા તેમના દેશની રક્ષા કરશે? આ ઈમેલ લીક થવાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા નાટો છોડવા માંગતું નથી, પરંતુ તે ઈચ્છે છે કે સંગઠન માત્ર તેના ઈશારે ચાલે. આવનારા દિવસોમાં આ વિવાદ યુરોપિયન સુરક્ષા અને રશિયા-ઈરાન સાથેના સંબંધો પર ગંભીર અસર કરી શકે છે.