કુદરતી આફતો સામે લડવા માટે જાણીતા દેશ જાપાન પર અત્યારે મુશ્કેલીઓના પહાડ તૂટી પડ્યા છે. છેલ્લા માત્ર ચાર દિવસમાં આ દેશે કુદરતનું સૌથી રૌદ્ર સ્વરૂપ જોયું છે. 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ દરિયામાં ઉછળેલા સુનામીના મોજા બાદ હવે ઉત્તર જાપાનના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિનાશ વેર્યો છે. આ આગ ઝડપથી રહેણાંક વિસ્તારો તરફ વધી રહી છે, જેને કારણે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
જંગલની આગ અને ભયાનક સ્થિતિ
શુક્રવાર, 24 એપ્રિલના રોજ ઉત્તર જાપાનના ઇવાટે (Iwate) પ્રદેશમાં લાગેલી આગ અત્યંત વિનાશક બની ગઈ છે. પર્વતીય વિસ્તારોમાંથી શરૂ થયેલી આ આગ હવે શહેરના કેન્દ્ર તરફ આગળ વધી રહી છે. સરકારી પ્રવક્તા મિનોરુ કિહારાના જણાવ્યા અનુસાર, માત્ર બે જ દિવસમાં 400 હેક્ટર (લગભગ 988 એકર) થી વધુ જમીન બળીને ખાખ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને ન્યૂઝ એજન્સીઓના ફોટામાં ઓત્સુચી શહેરના ઘરો સુધી આગની જ્વાળાઓ પહોંચતી જોઈ શકાય છે. આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું છે, જે જોવામાં અત્યંત ભયાનક લાગે છે.
મોટા પાયે બચાવ કામગીરી અને સ્થળાંતર
સ્થિતિની ગંભીરતાને જોતા જાપાન સરકારે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 2,500 થી વધુ લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવાર સુધીમાં સેંકડો લોકોએ આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે. આગને કાબૂમાં લેવા માટે 700 થી વધુ અગ્નિશામકો અને 13 ખાસ વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક ફાયર ફાઇટરોના જણાવ્યા અનુસાર, જંગલમાં પાઈન વૃક્ષો સળગવાનો અવાજ એટલો તીવ્ર છે કે તે કોઈ મોટો વિસ્ફોટ થતો હોય તેવો ભાસ થાય છે.
આફતો પાછળનું કારણ
નિષ્ણાતોના મતે, શિયાળાની શરૂઆતને કારણે જંગલોમાં વધેલી શુષ્કતા આગ લાગવાનું મુખ્ય કારણ છે. સૂકા પાંદડા અને પવનની ગતિએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જાપાન માટે આ સ્થિતિ વધુ કપરી એટલા માટે છે કારણ કે લોકો હજુ ભૂકંપ અને સુનામીના આઘાતમાંથી બહાર આવ્યા નથી, ત્યાં આ ત્રીજી મોટી આફતે વહીવટીતંત્રની ચિંતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચોઃ Trump ની ભારત વિરોધી ટિપ્પણી પર ઈરાનનો કટાક્ષ, કહ્યુ કે "બકવાસ બંધ કરો અને ભારત આવીને જુઓ"